Amreli : તાઉ તે વાવાઝોડાના એક મહિના બાદ પણ ખેડૂતોને સહાય નથી મળી, રાજુલાના ધારાસભ્યની સરકારમાં રજૂઆત

|

Jun 29, 2021 | 2:20 PM

તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે 500 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

રાજ્યમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાને એક મહિના કરતા વધુનો સમય વિતી ચૂક્યો છે, તેમ છતા અનેક લોકો હજુ સહાયથી વંચિત છે. અમરેલી જિલ્લાના ખેડૂતો (Farmers) પણ હજુ સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. જેને લઈના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે સરકારમાં રજૂઆત કરી હતી.

રાજુલા પંથકના ખેડૂતોને હજુ સુધી તાઉતે વાવાઝોડાની સહાય મળી નથી. નુકસાન બાદ સહાય ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે અમરીશ ડેરે સરકારની યોજનાઓમાં વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સાગરખેડુ યોજના પર પણ સવાલ ઉભા કર્યા હતા. આ પહેલા સરકારના જ પ્રધાન પુરષોત્તમ સોલંકી પણ સાગરખેડુ યોજના પર સવાલ કરી ચૂક્યા છે.

તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે (Government) 500 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. તો બાગાયતી પાકો ખરી જવાના કિસ્સામાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.30 હજાર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય સરકાર પર રૂ. 500 કરોડનો બોજ આવશે અને એક જ સપ્તાહમાં ખેડૂતોના (Farmers) ખાતામાં રાહતની રકમ જમા થઇ જશે તેવું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું હતું કે, મણના નુકસાન સામે કણની જ સહાય છે.

સરકારના નિયમો પ્રમાણે કેટલી સહાય

રાજ્ય સરકારે પાકના નુકસાન માટે 500 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર
બાગાયતી પાકોના વૃક્ષો મૂળ સહિત ઉખડી જવાના કિસ્સામાં હેકટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય
બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે
ઝાડ ઉભા હોય અને પાક ખરી પડ્યો તો હેકટર દીઠ 30 હજાર રૂપિયાની સહાય
પાક ખરી પડ્યો હોય તે કિસ્સામાં વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે
ઉનાળુ પાકને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેકટરની મર્યાદામાં હેકટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય

ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા તાઉ તેથી અસર પામેલા માછીમારો માટે રૂપિયા 105 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં, 25 કરોડ રૂપિયા સાગરખેડૂ માછીમારોની બોટ, ટ્રોલર, માછીમારીની જાળી વગેરેને થયેલા નુક્સાન અંગે રાહત સહાય બાબતે, તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે જાહેર કર્યા હતા. બન્ને મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ રાહત પેકેજ હતું.

Published On - 2:19 pm, Tue, 29 June 21

Next Video