હાલમાં વિશ્વના મોટાભાગના દેશો કોરોનાના કેસોથી પ્રભાવિત છે. જેમાં ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા કોવિડ-19 વેક્સિનેશન, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરી મોટાપાયે ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ AMC દ્વારા સમયાંતરે જરૂરિયાત પ્રમાણે ખાનગી હોસ્પિટલોને પણ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ફાળવાઈ છે. તેમજ હાલમાં 108થી પણ વધુ ખાનગી હોસ્પિટલો ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે.
ત્યારે આજે ગુજરાતમાં 3,500થી વધારે, જ્યારે અમદાવાદમાં 800થી વધારે કોરોનાના કેસ અને 318 માઈક્રો કન્ટેઈનમેન્ટ સાથે હાઈટાઈમ આંકડો નોંધાયો છે. જેની સાથે AMC હરકતમાં આવ્યું અને ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં બેડ વધારવાની સાથે કોવિડ કેર સેન્ટરની પણ શરૂઆત કરી છે. જો AMC દ્વારા ઉભી કરાયેલ વધારાની વ્યવસ્થા અને બેડના અંકડાઓ પર નજર કરીએ તો આજે SMS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 240 બેડ, ગુજરાત કેન્સર સોસાયટી (જી.સી.એસ.) હોસ્પિટલના 160 બેડ AMC દ્વારા ફાળવવામાં આવ્યા છે. SVP હોસ્પિટલ ખાતે વધારાના 500 બેડ કોવિડ-19ના દર્દીઓ માટે ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં દાખલ નોન કોવિડ દર્દીઓની સારવાર પૂર્ણ થયા બાદ તેઓને રજા આપ્યા પછી તે બેડ કોવિડ-19ની સારવાર માટે રૂપાાંતરીત કરવામાં આવશે.
તે સિવાય સમરસ હોસ્ટેલ, મેમનગર ખાતે 500 બેડ અને સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાત, ઠક્કરબાપા નગર ખાતે 120 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. વધુમાં અસારવા મેડીસીટી સિવિલ હોસ્પિટલમાં આવેલ હોસ્પિટલમાં 850 બેડ વધારાના ઉમેરીને કોવિડ-19ના દર્દીઓ માટે રાખવામાં આવ્યા છે, તેની સાથે ખાનગી હોસ્પિટલના 281 વધારાના બેડ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે રખાયા છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે થયેલ ચર્ચા-વિચારણાના અંતે AMC દ્વારા નક્કી કરેલ ધારા ધોરણમાાં આવતા નર્સિંગ હોમને કોવિડ-19 ડેસીગ્નેટેડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવશે. તેમજ આ પ્રકારે કાર્યરત 1,900 જેટલા નર્સિંગ હોમ/હોસ્પિટલની અરજી મેળવી નવા કોવિડ દર્દીના બેડની વ્યવસ્થા બાબતે મંજૂરી આપવામાં આવશે.
આમ આજ રોજ અંદાજીત 2,700 જેટલા બેડ કોવિડના દર્દીઓ માટે વધારવામાં આવ્યા છે. હોસ્પિટલ કોવિડ-19 દર્દીઓ માટે ફાળવવામાં આવેલ વધારાના બેડની સંખ્યા જોઈએ કુલ 2,031 બેડ રખાયા છે. તે સિવાય કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં 500 બેડ, સ્પોર્ટસ ઓથોરટી ગુજરાત, ઠક્કરબાપાનગર 120 બેડ, સિલ્વર લીફ બાય જિંજર (ગ્લોબલ હોસ્પિટલ, બોડકદેવ) 30 બેડ સાથે કુલ 650 બેડ રખાયા છે. આમ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે કુલ મળી બેડ 2,681 બેડ રખાયા છે.