
અમદાવાદ: બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે અમદાવાદ ઍૅરપોર્ટ પરથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાની ધરપકડ કરાઈ તે ગીતાબેન પટેલ છે અને બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ લઈને અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. 2જી ડિસેમ્બરના રોજ મહિલા લંડનથી અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચી હતી. ઈમિગ્રેશન વિભાગે તપાસ કરતા મહિલા પાસેથી ભારતીય પાસપોર્ટ અને પોર્ટુગીઝ પાસપોર્ટ મળી આવ્યો હતો.
આ બંને પાસપોર્ટને સિસ્ટમમાં ચેક કરતા પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવટી હોવાનુ ખૂલ્યુ હતુ. મહિલા નક્લી પાસપોર્ટના આધારે 17 નવેમ્બર 2021ના રોજ લંડનથી દિલ્હી આવ્યા અને 13 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીથી લંડન પરત જતા રહ્યા હોવાનુ ખૂલ્યુ હતુ. જેથી ઍરપોર્ટ પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.
નક્લી પાસપોર્ટ કેસમાં SOGની ટીમે તપાસ કરતા મૂળ કડીની રહેવાસી મહિલા આરોપી 9 વર્ષ પહેલા તેમના પતિ મહેશ પટેલ સાથે ભારતીય પાસપોર્ટ પર એજન્ટ મારફતે લંડન ગયા હતા. પરંતુ 2021માં તેમની તબિયત બગડી હતી. મહિલાને ઢીંચણનો દુ:ખાવો અને શારીરિક બીમારી થતા ભારતમાં ઈલાજ માટે આવવુ હતું. પરંતુ ભારતથી લંડન ગયા ત્યારે તેમનો વિઝા માત્ર બે વર્ષના હતો અને વિઝા પૂર્ણ થયા બાદ, તેઓ સાત વર્ષ સુધી ગેરકાયદેસર રીતે લંડનમાં રહેતા હતા.લંડનમાં વિઝા પૂર્ણ થયા બાદ જો તેઓ ભારત આવે તો પકડાઈ જવાનો ડર હતો.
જેથી તેમને ભારતમાં પ્રવેશવા માટે નવો કિમિયો અજમાવીને રૂ 50 હજાર પાઉન્ડથી રીટા મેનેઝેસ નામથી નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો. જેની પ્રક્રિયા પણ લંડનમાં કરવામાં આવી અને આ નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ પર ભારતમાં ઈલાજ માટે આવ્યા હતા પરંતુ ફરી અમદાવાદ આવતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
નકલી પાસપોર્ટ કેસમાં ઍરપોર્ટ પોલીસે ગીતાબેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી, ધરપકડ કરીને SOG ક્રાઇમને સોંપી હતી. SOG ક્રાઇમે મહિલાના એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ મહિલા સિવાય પરિવારના અન્ય કોણ લંડનમાં છે અને તેઓની પાસે નકલી પાસપોર્ટ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત નકલી પાસપોર્ટને લઈને લંડન એમ્બેસીને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો