અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા વધારવા માટે વધુ એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુવિધા માટે AMTS, BRTS તથા મેટ્રો સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરીજનોની જરૂરિયાતોને ધ્યાને લઇને તેમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં મેટ્રોની શરૂઆત કરાઇ છે. મુસાફરોની સુવિધાને ધ્યાને લઇને મેટ્રો સ્ટેશનને BRTS સ્ટેન્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે.
પહેલા રાણીપ મેટ્રો સ્ટેશન અને હવે વાડજ મેટ્રો સ્ટેશન ખાતે વોક-વે બનાવીને BRTS સ્ટેન્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે. વોક-વેના કારણે મુસાફરો મેટ્રો સ્ટેશનથી સીધા BRTS સ્ટેન્ડ સુધી પહોંચી શકશે. પરિણામે સમય અને ટ્રાફિકની સમસ્યાથી મુસાફરોને મુક્તિ મળશે.
એક તરફ શહેરીજનો તંત્રની કામગીરીને આવકારી રહ્યા છે તો બીજી તરફ મેટ્રો સ્ટેશનના નામને લઇને પણ શહેરીજનો મુંઝવણમાં મુકાયા છે. અખબારનગર વિસ્તારમાં અખબારનગર BRTS સ્ટેન્ડ અને તેની પાસે જ વાડજ મેટ્રો સ્ટેશન નામ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ વિસ્તાર અખબારનગર તરીકે ઓળખાય છે. ત્યારે સ્ટેશનના નામની મુંઝવણના કારણે નિશ્ચિત સ્ટેશન ઉપર ઉતરી ન શકાતું હોવાની મુસાફરોની ફરિયાદ છે.
તો બીજી તરફ શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય વધારવામાં આવતા શહેરીજનોની મોટી રાહત મળી છે. આજથી મેટ્રો ટ્રેન સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. હાલમાં મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. હવે આ સેવામાં વધુ 4 કલાકનો વધારો કરાયો છે. અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gold Price Today : અમદાવાદમાં એક તોલા સોનાનો ભાવ 59000 ને પાર પહોંચ્યો, આ રીતે જાણો તમારા શહેરનો સોનાનો ભાવ
મેટ્રો ટ્રેનના સમયને વધારવાની સાથે ટ્રેન પણ દર 15 મિનિટે મળી રહેશે. 25 મિનિટની જગ્યાએ હવે આજથી દર 15 મિનિટે ટ્રેન મળી રહેશે. શહેરીજનોને સુવિધા રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમય મર્યાદામાં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ
Published On - 7:04 pm, Mon, 30 January 23