
અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી છે. ધર્મ અને આધ્યાત્મકતા સાથે જોડાયેલા સંતો શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહોત્સવ જાણે ધર્મ-ભક્તિ સાથે જીવનના સારનો મહોત્સવ બની રહ્યો છે. પ્રમુખસ્વામી નગરની મુલાકાત દરમિયાન આપને આવનવી અલગ અલગ પ્રકારની મુદ્રાઓના દર્શન થશે. આ વિવિધ મુદ્રાઓ માત્ર કલા-કારીગરીનો નમૂનો જ નહીં, પરંતુ સફળ જીવનના વિવિધ મંત્રોનો પણ સંદેશ આપે છે. પ્રમુખ સ્વામીના જીવનના આદર્શો અને જીવનની સત્ય વાસ્તવિકતાનો સંયોગ એટલે વિશેષ મુદ્રાઓ. ત્યારે મુદ્રાઓ શું આપે છે સંદેશ અને તેનું બાપાના જીવનમાં શું હતું મહત્વ આવો જાણીએ.
આ મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.