અકસ્માતની સાદી વ્યાખ્યા છે, જે કોઇએ ધારી ન હોય તેવી અણધારી ઘટના એટલે અકસ્માત. ક્ષણાર્ધમાં કલ્પના પણ ન હોય તેવી ઘટના આનંદ કિલ્લોલને કલ્પાંતમાં ફેરવી નાંખે તે અકસ્માત. મોરબીની દુર્ઘટના તેનું ઉદાહરણ છે. સહુકોઇ જાણે છે કે, તંત્રની બેદરકારીએ લોકો કમોતને ભેટ્યા છે. બ્રિજમાં થી કમાનારા ફરાર છે અને પટાવાળા પકડાયા છે. આપણે ત્યાં કહેવાય છે કે, “ચોર મૂઠી જારના દેવડિયે દંડાય છે, લાખો ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે”. બોટાદ અને ધંધૂકાના લઠ્ઠાકાંડમાં પણ દારૂના નામે લઠ્ઠો વેચનારા પકડાયા પણ જે ફેક્ટરીમાંથી મીથાઈલ સપ્લાય થયુ હતુ તે, ફેક્ટરી પર નિયંત્રણ રાખનારી સરકારી સંસ્થાના એકેય અધિકારીઓ વિરૂધ્ધ કોઇ જ કાર્યવાહી ના થઇ. હાં, ફેક્ટરીની ગતિવીધિ પર નજર રાખવાની જવાબદારી જેની નથી..(ફરી વાંચો) જવાબદારી જેની નથી એવી પોલીસનાં કેટલાક અધિકારીઓ સસ્પેન્ડ થયા પણ નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓને આંચ ના આવી.
મોરબીમાં પણ આવું જ કાંઇ થશે તેવી આશંકા હવે રાજ્યનો સાવસામાન્ય નાગરીક કરવા લાગ્યો છે. કારણ, બ્રીજ બનાવવામાં “બેનામી” કોન્ટ્રાક્ટ અપાયો, દૂર્ઘટના ઘટી તો “અનામી” ફરિયાદ ફાડવામાં આવી. મોરબીમાં દુર્ઘટના પહેલાં કોઇ એક અધિકારી, કોઇ એક નેતા એવો નહોતો કે જે જીદ કરીને તંત્રને લોકોની સુરક્ષા માટે જગાડી શકે?!
બે મહિના પહેલાંની વાત છે, અમદાવાદમાં દેશના વડા પ્રધાને રિવર ફ્રન્ટ પર બનેલો દેશનો પહેલો 300 મિટર લાંબો ફૂટ ઓવર બ્રિજ ખુલ્લો મુક્યો. બે-ત્રણ દિવસ બ્રિજ પર લોકોને નિશુલ્ક ફરવા દેવાયા. જો કે, ત્યાં સુધી અમદાવાદ કોર્પોરેશને ભવિષ્યમાં તેના પર જનારા લોકો પાસેથી પૈસા વસૂલવાનો કોઇ પ્લાન પણ નહોતો બનાવ્યો. બ્રિજ પર વધી રહેલી ભીડ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના ધ્યાનમાં આવી. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોર્યુ કે, આ ભીડ જોખમી છે. કાયદો અને વ્યવસ્થાનિ દ્રષ્ટીએ તો ખરી જ પણ શહેરની પ્રતિષ્ઠા અને વિકાસને પણ એક નાની ઘટના બટ્ટો લગાવી શકે છે.
બ્રિજનું લોકાર્પણ ખુદ દેશના વડાપ્રધાને કર્યુ હતુ અને વિકાસના આ મોડેલ પર શંકા ઉભી કરતાં જ કોર્પોરેશનના અધિકારીઓના ભવાં ચડી ગયા. શરૂઆતના દિવસોમાં રાતે સાડા દસ વાગ્યા સુધી બ્રિજ ખુલો રાખવાનું કોર્પોરેશને નક્કી કર્યુ હતુ પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાત્રે 8.30 વાગ્યે ભીડ વધતા જોઇ પોલીસને આદેશ કર્યો કે હવે લોકોને પ્રવેશ આપવો નહીં. કહેવાય છે કે, કોર્પોરેશનના સિનિયર મોસ્ટ અધિકારીઓને આ વાત ન ગમી પરંતુ, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અધિકારીઓને સમજાવ્યાં કે, પુલ કેટલો મજબૂત છે એ અમે નથી જાણતા પરંતુ તેના પર આટલી બધી ભીડ એક કોઇ અકસ્માત સર્જી શકે છે. કોઇ ઉપરથી કુદીને આપઘાત કરે કે ધક્કામુકી સર્જાય અને ઉપરથી પડે તો આ બ્રિજની સુંદરતાને અને કોર્પોરેશનની વ્યવસ્થાને લાંછન લાગશે. માટે ભીડ કંટ્રોલ કરવી જરૂરી છે.
રોજ પોલીસ અધિકારીઓ અહીં બંદોબસ્તમાં નહીં ઉભા રહી શકે માટે બ્રિજ પર નામના પૈસા પણ જરૂર લો, ફ્રીમાં હશે તો કોઇને પ્રવેશ આપતા રોકી નહીં શકાય અને ભીડ કંટ્રોલ નહીં થાય. શરૂઆતમાં કોર્પોરેશનના અધિકારીઓને આ વાત પસંદ ન આવી પરંતુ પોલીસ કમિશનરે સંભવિત દૂર્ઘટનાઓ અંગે ચર્ચા કરી ત્યારે અધિકારીઓ માની ગયા અને ત્રણ દિવસ બાદ ટિકિટ બારી ઊભી કરી પૈસા વસૂલવાનું શરૂ કર્યું. એટલું જ નહીં અટલ બ્રિજની નીચે રેસ્ક્યુ માટે એક ફાયર બ્રિગેડની બોટ રાખવાની સૂચના પણ પોલીસ કમિશનરે જ આપી હતી જેથી દુર્ઘટના સમયે જિંદગી બચાવી શકાય.
મચ્છુના અને સાબરમતીના બ્રિજની બનાવટા અને મજબૂતી અલગ છે. પણ, અકસ્માત એ અણધારી આફત છે કે જેમાં ભોગ બનનાર અને તેનો પરિવાર જ પિશાય છે. જવાબદારો તો લોકો ક્યારે ઘટના ભૂલે છે તેની રાહ જોઇને જ બેઠા હોય છે.