અમદાવાદમાં આયોજીત ફ્લાવર-શૉની મુલાકાત માટે ત્રણ દિવસનો વધારો કરાયો છે. ફ્લાવર-શો 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. શતાબ્દી મહોત્સવને કારણે ઘણા લોકો અમદાવાદની મુલાકાત લઈ રહ્યા છે. આ સિવાય પણ ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યાને જોતા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે 12 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલુ રહેશે.
અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ ફ્લાવર-શૉની મુલાકાત લીધી છે. ત્યારે હજુ પણ 10 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર-શૉની મુલાકાત લે તેવો અંદાજ છે. શતાબ્દી મહોત્સવને કારણે અમદાવાદમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફ્લાવર શોમાં વધુ મુલાકાતીઓ આવે તેવી સંભાવના છે. ત્યારે મુલાકાતીઓને લાઈનમાં ન ઉભું રહેવું પડે તે માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ પણ શરુ કરવામાં આવ્યુ છે.
2 વર્ષ બાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન થયુ હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા છે. અમદાવાદીઓ ભર આંગણે આયોજીત ફ્લાવર શોનો ભરપૂર ઉઠાવી રહ્યા છે.આ વર્ષે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આ વખતે ફ્લાવર શોમાં ખાસ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જો કે કોરોનાએ વિશ્વમાં જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેને જોતા ફ્લાવર શોમાં કોરોનાના કડક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાવર શો જોવા માટે માસ્ક ફરજીયાત છે.
આ વખતે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં ઓલમ્પિક, ધન્વંતરિ, યોગા, એનીમલ થીમ, આઝાદીના અમૃત મહોત્સવ, અર્બન 20 અને G20 સહિતની થીમ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફ્લાવર શો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 જાન્યુઆરી 2023 દરમિયાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે.
ફ્લાવર શોમાં ઉભા કરવામાં આવેલા ખાસ આકર્ષણોની વાત કરીએ તો ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે ફુલોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યુ છે.