અમદાવાદીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. સવારનો મેટ્રો ટ્રેનનો સમય 9 વાગ્યાથી બદલી 7 વાગ્યાનો કરવામાં આવ્યો છે. તો સાથે દર 15 મિનિટે ટ્રેન મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. આ નિર્ણયથી અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી અને આસપાસથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાચાલકોને અમદાવાદના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે.
30મી સપ્ટેમ્બર 2022ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પછી મેટ્રો રેલમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને મેટ્રો ટ્રેનનો સમયગાળો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે પછી ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો ફેસ-1 નું સમયપત્રક જે સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનું હતુ. તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી. ત્યારે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા વધારીને હંગામી ધોરણે સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પૂર્વથી પશ્ચિમ રૂટ સ્ટેશન પર દર 18 મિનિટમાં મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી મળતી હતી. તો ઉત્તર-પશ્ચિમ રુટ પર 25 મિનિટે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી છે. જો કે હવે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી ઓછી કરવા પર એટલે કે 18 કે 25 મિનિટના સ્થાને 15 મિનિટમાં જ મેટ્રો ટ્રેન મળી રહેશે.
ગુજરાત મેટ્રો રેલ દ્વારા લેવાયેલા ટ્રેનના સમયપત્રકના ફેરફાર અંગેના નિર્ણયથી મુસાફરોને ઘણો મોટો ફાયદો રહેશે. હાલ આ નિર્ણય હંગામી ધોરણે એક મહિના માટે લેવામાં આવ્યો છે. જો મુસાફરોની સંખ્યા વધુ રહેશે, તો આ નિર્ણય કાયમી કરવા પર વિચારણા થઇ શકે છે.
Published On - 11:45 am, Mon, 30 January 23