
રાજ્યમાં ન્યાયતંત્રની કામગીરી વધુ સુચારૂ બને તે માટે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High court) લોક અદાલત દ્વારા સફળતાપૂર્વક કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે હવે કોર્ટ દ્વારા એવા પ્રયત્નો હાથ ધ રવામાં આવ્યા છે કે કેસને (pre litigation) પ્રિ-લિટીગેશનના તબક્કે (પ્રિ-લિટિગેશન એટલે કે કેસ કોર્ટમાં દાખલ થતા પહેલા જ કેસમાં બંને પક્ષે સમાધાન ફોર્મ્યુલાથી નિવેડો લાવવાની પ્રક્રિયા) કેસ નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે ચાલુ વર્ષે આયોજિત કરવામાં આવેલી બે નેશનલ લોક અદાલતને સારી સફળતા મળી છે.અગાઉ 12 માર્ચ 2022ના ના રોજ યોજાયેલ રાષ્ટ્રીય અદાલતમાં કુલ 22,139 કેસોનો પ્રિ- પ્રિલીટીગેશન સ્તરે નિકાલ લાવવામાં આવ્યો હતો. જ્યારે 26મી જૂનના રોજ યોજાયેલ બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિ – લિટીગેશન સ્ટેજ પરના કુલ 101878 કેસોનો નિકાલ થયો છે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા રાજ્યમાં ન્યાયતંત્રની કામગીરી વધુ સરળ અને ઉપયોગી સાબિત થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં પ્રી લિટીગેશન એટલે કે કેસ દાખલ થતા પહેલા જ તેનો બંને પક્ષે સમાધાન ફોર્મ્યુલાથી નિવેડો આવે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ એથોરિટી (GSLSA)અને હાઇકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પ્રયાસો થકી લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસના નિકાલ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોક અદાલતમાં પણ પ્રિ- લિટીગેશન સ્ટેજ પર કેસોનો નિકાલ થાય તેના પર ભાર મૂકવામાં આવશે. તેના માટે લીગલ સર્વીસ એથોરિટી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ બાબતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસસ એથોરિટી (State legal services authority)ના મેમ્બર સેક્રેટરી રાહુલ ત્રિવેદી જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર પ્રયાસો થકી અરજદારોને કોર્ટમાં આવ્યા વિના, બંન્ને પક્ષે સમાધાનના ફોર્મ્યુલા થકી વિવિધ પ્રકારના કેસનો નિકાલ લાવવા સંદર્ભે જાગૃતતા જોવા મળી રહી છે. ઉપરાંત હવે ટ્રાફિકના ઇ- મેમોના ચલણના કેસોનો નિકાલ પણ પોલીસના સહયોગથી કરવામાં આવ્યો છે જેમાં 75,000 જેટલા કેસના નિકાલ થકી રાજ્યને 4 કરોડ જેટલી આવક થવા પામી છે. જે પણ નોંધનીય બાબત છે. આગામી લોક અદાલત 13 મી ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. જેમાં પણ લોકોને મોટા પ્રમાણમાં લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.