
ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને 29 ડિસેમ્બર 2022 એટલે કે આજથી રાજ્યમાં વધુ નવા 28 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં નવા 28 અને ગાંધીનગરમાં નવા એક એમ કુલ 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. આમ હવે રાજ્યના કુલ 51 કડિયાનાકા – વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ શ્રમિક અન્નપૂર્ણા યોજનાની આજથી શરુઆત થઇ છે. સમાજના છેવાડાના માણસ સુધી સરકારની યોજનાઓ પહોંચે અને જરૂરિયાત ધરાવતો દરેક વ્યક્તિ તેનો મહત્તમ લાભ લઈ શકે તેવા હેતુથી યોજના શરુ કરવામાં આવી છે. શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર આવનાર શ્રમિક પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈ આવશે અને તેનો ક્યુ આર કોડ સ્કેન કરાવી પોતાના ટિફિનમાં કે જમવા માટે રૂપિયા 5માં ટોકન લઇ એક સમયનું ભોજન મેળવી શકશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે.
બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોવાથી તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહત્વનું છે કે 29 કેન્દ્ર પર માસિક 75 હજાર જેટલા શ્રમિકોને ભોજન વિતરણ થશે. આ અગાઉ અમદાવાદના 19 કેન્દ્ર અને ગાંધીનગરના ત્રણ કેન્દ્રો ઉપર આ યોજના ચાલુ હતી. આજે અમદાવાદના નવા 28 કેન્દ્રો અને ગાંધીનગરના એક કેન્દ્ર એમ કુલ મળીને 51 કેન્દ્ર ઉપર હાલ આ યોજના કાર્યરત રહેશે.
8 ઓક્ટોબરથી આજ દિન સુધી 1.84 લાખ કરતા વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવેલુ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 2016 થી અત્યાર સુધી કુલ 1.16 કરોડ જેટલા ભોજન વિતરણ થયેલુ છે.
જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને ઓછામાં ઓછુ એક સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. તેમજ પોર્ટલ માંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. તો પોર્ટલ સી. એમ. ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈંટગ્રેશન કરવામાં આવેલુ છે. તેમજ આગામી સમયમાં રાજ્યના વિવિધ મહાનગરોમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.