કાપ્યો છે… અને લપેટ..ના નારા લગાવવાનો પર્વ એટલે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જે પહેલા પતંગરસિયાઓ બજારમાં દોરી અને પતંગની ખરીદીમાં લાગ્યા છે. ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પહેલા પતંગ દોરીની ખરીદી માટે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જોકે આ વખતે પતંગ દોરીના ભાવ વધારાની સાથે અન્ય ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો નોંધાયો છે. તેમ છતા અમદાવાદના બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદમાં રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, બાપુનગર કે અન્ય પતંગ બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. જોકે આ વખતે ભાવ વધારો નોંધાતા લોકોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી હતી. તે પછી પતંગ દોરીની વાત હોય કે પછી ઉત્તરાયણ પર્વ પર મળતી અન્ય મનોરંજનની વસ્તુઓ હોય. જે ભાવ વધારાની અસર આ વખતે પર્વ પર અને ઉજવણી પર પડશે તેવું લોકોનું માનવું છે.
પતંગ દોરીમાં આ વર્ષે 30 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. પતંગ રસિકો પતંગ- દોરી સાથે માસ્ક, ચશ્મા, ટોપી, હાથ પટ્ટી, તુક્કલ કે પછી ધ્વનિ વાદક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ આ વખતે 10થી 20 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. જે ભાવ વધારા પાછળ વેપારીએ રો મટીરીયલમાં ભાવ વધારો થયો હોવાથી તેમજ પેટ્રોલ ડીઝલના વધુ ભાવ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ હોવાથી ભાવ વધ્યા હોવાનું જણાવ્યું તો સાથે જ બજારમાં ચાઈના દોરી અને ચાઈના ટુકકલ ઓર પ્રતિબંધ હોવાથી બજારમાં એકદમ હલકા એવા LED તુકકલ આવ્યા હોવાનું જણાવ્યું. તો ચાઈનીઝ તુકકલ બંધ થતાં ફરી સ્વદેશી તુકકલનું માર્કેટ આવ્યાનું પણ નિવેદન આપ્યું.
હાલ તો લોકો ભાવ વધારા વચ્ચે ખરીદીમાં લાગ્યા છે. જોકે લોકો ભાવ વધારા સામે લિમિટમાં ખરીદી કરી રહ્યા છે. જેથી તેઓનું બજેટ ખોરવાય નહીં. તેમજ કોરોનાની ચિંતા પણ લોકોને સતાવી રહી છે કે જો કોરોના આવે તો ખર્ચ માથે ન પડે. ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે તેમનો આ પર્વ શાંતિપૂર્ણ રીતે અને કોઈ વિઘ્ન વગર પાર પડે.
Published On - 4:30 pm, Thu, 29 December 22