ગેરકાયદેસર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા ડીંગુચાના પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ ગુજરાત પોલીસે બે શખ્સોને વૉન્ટેડ જાહેર કર્યા છે. કેનેડામાં રહેતા બે માનવ તસ્કરો માટે પોલીસે રેડકોર્નર નોટિસ જાહેર કરી છે. સુરતનો ફેનિલ પટેલ અને પંજાબના બિટ્ટૂ પાજીને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને કલોલના બે એજન્ટની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા બંને એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની પૂછપરછમાં એ હકીકત સામે આવી કે કબુતરબાજીના આ કૌભાંડમાં કેનેડા અને અમેરિકામાં રહેતા ફેનીલ તથા બીટુ પાજી સામેલ છે. બે એજન્ટો બોર્ડર ક્રોસિંગ માટે રૂપિયા લેતા અને અમેરિકામાં પ્રવેશ કરાવતા હતા.અમદાવાદ અને કલોલના એજન્ટની ધરપકડ બાદ એ હકીકત સામે આવી કે બંને એજન્ટો છેલ્લા દસ વર્ષથી કબૂતરબાજીનું કૌભાંડ ચલાવી રહ્યા છે તો બીજી તરફ અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ઝડપાયેલા સાત ગુજરાતી નાગરિકોના જામીન પણ આ જ આરોપીએ કરી આપ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા બંને આરોપી ભાવેશ પટેલ કે જે કલોલનો રહેવાસી છે. અમદાવાદના યોગેશ પટેલ છે. બંને પટેલ યુવકો કબૂતરબાજીના માસ્ટરમાઈન્ડ છે. આ બંને યુવકોએ કલોલ અને મહેસાણાના 11 લોકોને અલગ અલગ દેશો ફેરવી કેનેડા મોકલ્યા. ત્યાંથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરાવવાના હતા.
ડીગુંચાના એક જ પરિવારના ચાર સભ્યો 19 જાન્યુઆરી 2022ના રોજ અમેરિકા બોર્ડર ક્રોસ કરતાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી કબુતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ બાદ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
સામાન્ય રીતે અમેરિકા બોર્ડર ક્રોસ કરવાનો એક વ્યક્તિનો ભાવ 11,500 ડોલર છે. પરંતુ વીનીપેગ બોર્ડર કે જ્યાં માઇનસ 35 ડિગ્રી ઠંડી સાથે ખુબ જ સંવેદનશીલ હોવાથી ત્યાં એજન્ટો 7500 ડોલરમાં બોર્ડર પાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. એક વ્યક્તિને અમદાવાદથી અમેરિકા મોકલવા માટે એજન્ટો 60થી 65 લાખ રૂપિયા પડાવતા હતા, જેમાંથી લોકલ એજન્ટ 30 લાખ રૂપિયા મેળવતો અને અન્ય રૂપિયા એજન્ટોમાં વહેંચાતા હતા.