ભારતીયોને હવે બુલેટ ટ્રેનની મજા માણવા માટે વધુ રાહ જોવી નહીં પડે. રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવે આ માટેના સંકેત આપી દીધો છે. રેલવે મંત્રીએ તેમના X અકાઉન્ટ પર દેશના પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલની ઝલક બતાવી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ટર્મિનલના વીડિયોમાં સંસ્કૃતિ અને આધુનિકતા જોવા મળી રહી છે.
ભારતનું પહેલુ બુલેટ ટ્રેન ટર્મિનલ અમદાવાદમાં બનીને તૈયાર જોવા મળી રહ્યુ છે. રેલવે મંત્રીએ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 43 સેકન્ડના આ વીડિયોમાં ટર્મિનલમાં બનેલી ઘણી સુવિધાઓ અને આધુનિકતા બતાવવામાં આવી છે. રેલવે મંત્રીએ પોસ્ટ કરેલી આ વીડિયો સાથે લખ્યું છે કે, ‘ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ.’ મહત્વનું છે કે ભારતમાં બુલેટ ટ્રેન શરુ કરવાના આયોજનની પહેલ વર્ષ 2017માં કરવામાં આવી હતી.
વર્ષ 2017માં રેલવે મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેનને લઇને જે જાહેરાત કરવામાં આવી હતી, તે મુજબ આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ સ્ટેશનોને જોડશે. આ મામલે સરકારે તે સમયે જણાવ્યુ હતું કે, ‘સાબરમતી અને મુંબઈ વચ્ચેનો રેલવે ટ્રેક (508 કિમી) જમીનથી ઉપરના થાંભલાઓ પર આધારિત હશે, તેમાં 12 સ્ટેશન હશે. મહત્તમ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક હશે, જ્યારે ઓપરેટિંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન મુંબઈથી સાબરમતી સુધી માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ પહોંચશે. મુંબઇથી અમદાવાદના અંતિમ સ્ટેશન પર પહોંચવાનો ટ્રેનનો સમયગાળો 2.58 કલાકનો રહેશે. બુલેટ ટ્રેનની પ્રોજેક્ટની અંદાજિત કિંમત 1,08,000 રુપિયા છે. આ પ્રોજેક્ટના કુલ ખર્ચના 81 ટકા જાપાન સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવી છે. આ લોન 0.1 ટકા વ્યાજ દર સાથે 15 વર્ષની ગ્રેસ પીરિયડ સાથે 50 વર્ષમાં ચૂકવવા પાત્ર છે.
આ પણ વાંચો- રાજકોટ વીડિયો : એરપોર્ટ રોડ પર અસામાજિક તત્વોનો આતંક, રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ વાહનો સળગાવ્યા
ભારત સરકાર હવે હાઈ સ્પીડ રેલ એટલે કે HSRની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત 6 વધારાના કોરિડોર અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં દિલ્હીથી વારાણસી, દિલ્હીથી અમદાવાદ, મુંબઈથી નાગપુર, મુંબઈથી હૈદરાબાદ, ચેન્નાઈથી મૈસૂર અને દિલ્હીથી અમૃતસરનો સમાવેશ થવાની શક્યતા છે. મહત્વનું છે કે સરકારે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ 2022-2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી હોવાનું પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું.