Ahmedabad : અમદાવાદ શહેરમાં શનિવારે પડેલા વરસાદે (Rain) વિરામ લીધો છે, પરંતુ વરસાદી સમસ્યા યથાવત છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે શનિવારે પડેલા વરસાદમાં શહેર બેટમાં ફેરવાયું અને પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. જે વાહનો લોકો રસ્તા પર જ મૂકીને ઘરે જતા રહ્યા હતા. રવિવારે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર બંધ વાહનોની કતારો જોવા મળી.
શનિવારે પડેલા મુશળધાર વરસાદમાં શહેર બેટમાં ફેરવાયું છે. જેના કારણે પિક અવર્સ દરમિયાન વરસાદ પડતાં પાણી ભરાયા હતા જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો અને વાહનો બંધ પડયા હતા. મોટાભાગના વાહનો પાણીમાં ફસાવવાના કારણે બંધ પડ્યા હતા. તો અન્ય વાહનો પાણીમાં ફસાય નહીં અને બંધ ન પડે તેના માટે વાહન ચાલકો રસ્તા પર તેમજ કોમ્પ્લેક્ષમાં જ પોતાના વાહનો મૂકીને ઘરે ચાલતી પકડી હતી. જે વાહનો લેવા માટે વહેલી સવારથી લોકો પોતાના વાહન પાસે પહોચવા લાગ્યા હતા.
એઇસી ચાર રસ્તા અને બ્રિજ સાથે શહેરમાં નરોડા પાટિયા, માણેકબાગ, સિંધુભવન, પકવાન, ઇસ્કોન, હેલ્મેટ સર્કલ, ઇન્કમટેક્સ, નરોડા, નિકોલ સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જ્યાં રસ્તા પર પાણી ભરાયા ત્યાં લોકોના બંધ વાહનો રસ્તા પર જોવા મળ્યા હતા. તો કેટલાક વાહનો ડિવાઈડર પર ચડી ગયેલા પણ જોવા મળ્યા હતા. તો કેટલાક વાહન ચાલકો કોમ્પ્લેક્ષમાં વાહન મૂકીને ઘરે જતા રહ્યા હતા.
વરસાદી પાણીમાં ફસાવાથી બંધ પડેલા વાહનો લેવા વાહન ચાલકો વહેલી સવારે પહોંચ્યા છે. બંધ પડેલા વાહનો શરૂ કરવા માટે ગેરેજોમાં આજે કતારો જોવા મળી શકે છે. કેમ કે સામાન્ય રીતે રવિવારે ગેરેજ બંધ હોય છે. પણ આવા સમયે લોકો ગેરેજ ચાલુ રાખતા હોય છે. જેથી વાહન ચાલકોની સમસ્યા દૂર કરી શકાય. જોકે, આવા સમયે ગેરેજ ધારક મનફાવે તેવા ભાવ લેતા હોવાનું પણ AEC બ્રિજ પર બંધ પડેલા વાહન લેવા આવેલા એક વાહન ચાલકે જણાવ્યું હતું.
શનિવારના રોજ હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે રાજ્યમાં ભારે તેમજ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ અમદાવાદમાં પણ શનિવારે મોડી સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને જોતા લોકોએ હજુ આ વરસાદી સમસ્યાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. તેમજ ભારે વરસાદને જોતા દરિયાઈ પટ્ટા પર માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ કેટલાક દિવસો માટે સૂચન કરાયું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો