અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નરોડાની 8થી વધુ સોસાયટીમાં રહીશો વિરોધ નોંધાવી રહ્યા છે. રહીશોની જાણ વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સાથે આ સ્માર્ટ મીટરના કારણે વધુ બીલ આવતુ હોવાનુ પણ રહીશો જણાવી રહ્યા છે. જેના ભાગ રૂપે સ્થાનિકોએ સામુહીક રીતે યુજીવીસીએલની કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સાથે તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માગ કરી.
સ્થાનિકોનો આક્ષેપ છે છેલ્લા ત્રણ દિવસથી સતત તેઓ સ્માર્ટ મીટર સામે વિરોધ કરી રહ્યા છે. છતા કોઈ જવાબ આપતુ નથી. સ્થાનિકોનુ કહેવુ છે કે ત્રણ દિવસથી જીઈબીના ધક્કા ખાઈએ છીએ. પરંતુ જીઈબીના કર્મચારીઓ લાઈટ-પંખા બધુ બંધ કરી ગરમીમાં ઉભા રાખે છે. સ્થાનિકોનો સવાલ છે કે સ્માર્ટ મીટર લગાવી તો દીધા, તો 7-7 દિવસનું બિલ કોણ ભરશે. અન્ય એક સ્થાનિક મહિલા જણાવે છે કે કોઈ જાણ કર્યા વિના સીધેસીધા સ્માર્ટ મીટર લગાવી દીધા છે અને એક મહિનાથી બહાર છે છતા માઈનસમાં બિલ આવ્યુ છે અને જીઈબીના કર્મચારીઓ માત્ર સાંત્વના આપી રહ્યા છે કે તમારી લાઈટ નહીં કપાય. પરંતુ ઓનલાઈન કટ કરી દે છે. સ્થાનિકોની માગ છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. અમને પહેલાવાળા જુના મીટર લગાવી આપો.
સ્થાનિકોના વિરોધને લઈને UGVCLના સત્તાધીશો દ્વારા સ્માર્ટ મીટરથી બીલ વધુ આવતુ હોવાની વાતને ગેરમાન્યતા ગણાવી છે. સાથે હાલમાં પોસ્ટ પેઈડ બીલ આવશે તેવુ પણ જણાવવામાં આવ્યુ.જો આ મીટર યથાવત રહેશે. યુજીવીસીએલના કર્મચારીનું કહેવુ છે કે હમણા નમૂના તરીકે પાંચ કે 10 સ્માર્ટ મીટર લગાવીએ અને એમની સિરિઝમાં જુનુ મીટર પણ લગાવીએ. આ જુના અને નવા બંને મીટરમાંથી એકપણ મીટર ફાસ્ટ છે કે નહીં તેની સરખામણી કરીશુ. જો કે તેમનુ કહેવુ છે કે બિલિંદ હાલ પુરતુ તો પોસ્ટપેઈડમાં જ થશે. તેમનુ કહેવુ છે કે સામાન્ય રીતે જે મીટર ચેન્જ થાય ત્યારે જુનુ રીડિંગ અને પાછલુ રીડિંગ મીટર ચેન્જનું જે પ્રમાણે બિલ આવતુ હોય છે એજ પ્રમાણે બિલ થશે.
આ તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સ્માર્ટ મીટરના વિરોધમાં રસ્તા પર ઉતર્યા અને સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માગ કરી. દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં પણ દર મહિને 200 યુનિટ ફ્રી વીજળી આપવાની માગ કરી. કાર્યકરોએ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં કર્યુ હતુ.
આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતવાસીઓને દેહ દઝાડતી ગરમીનો કરવો પડશે સામને
Published On - 5:12 pm, Thu, 23 May 24