દિવસેને દિવસે મહિલાઓ સાથે બનતા ગુના અને અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે જોતાં હવે સરકારે આવી તમામ મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકોને સુરક્ષા આપવા એક ખાસ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેનું નામ છે ‘નિર્ભયા પ્રોજેક્ટ’. અમદાવાદ સહિત દેશના 8 મોટા શહેરોમાં શરૂ થનારા આ ખાસ પ્રોજેક્ટમાં શું છે ? અને કેવી રીતે તે મહિલાઓને રક્ષણ આપશે.
અમદાવાદ સહિતના મહાનગરોની મહિલાઓની સુરક્ષા માટે હાઇટેક ટેકનોલોજીના માધ્યમથી વધુ એક મહત્વનો પ્રોજેક્ટ શરૂ થવા જઇ રહ્યો છે. જેનો હેતુ છે કે મહિલાઓ સાથેના ગુનાઓ ઓછા થાય, જાહેર કે પરિવહન સ્થળોએ મહિલાઓની સલામતી સુનિશ્ચિત બને અને મહિલાઓ નિર્ભયપણે શહેરમાં મુસાફરી કરી શકે. ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં આ નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ત્યારે એ સમજી લઈએ કે આખરે આ પ્રોજેક્ટ છે શું અને કોને તેનો લાભ મળશે, કઈ રીતે મળશે ?
એટલે એવું કહી શકાય કે મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનું અણછાજતું વર્તન ક્યાંય પણ કરશે તો તરત જ રડારમાં આવી જશે. આ પ્રોજેક્ટમાં અમદાવાદ ઊપરાંત બેંગાલુરૂ, ચેન્નઇ, દિલ્લી, હૈદરાબાદ, કોલકાત્તા, લખનૌ અને મુંબઇ શહેરને પ્રાથમિક તબક્કે આવરી લેવાશે. જે અંતર્ગત ઇન્ટીગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો
જેમાં ગુજ કોપ, ડાયલ 100, 112 જેવી સરકારી એપના ડેટા મર્જ કરાશે. આ પ્રોજેક્ટ માટે અમદાવાદને 3 વર્ષના સમયગાળા માટે 220.11 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગૃહ વિભાગે 2018માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને હવે 2023ના મે મહિનામાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે આ યોજના હેઠળ મહિલાઓ પોતાની જાતને કેટલી વધુ સુરક્ષિત અનુભવે છે.
Published On - 11:42 pm, Thu, 16 February 23