Monsoon 2023 : અમદાવાદ (Ahmedabad) શહેર જાણે ભુવા નગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે વિકસિત અને હેરિટેજ શહેરમાં ચાલુ સીઝનમાં ભૂવા પડવાની અર્ધ સદી જેટલી ઘટના બની છે. એટલે કે અમદાવાદ શહેરમાં આ સિઝનમાં 50થી વધુ ભુવા પડ્યા છે.
શુક્રવારે શહેરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ દરમિયાન બે વિસ્તારમાં ભુવા પડવાની ઘટના સામે આવી હતી. એક ભુવો ઘોડાસરમાં પી ડી પંડ્યા કોલેજ રોડ પર સાર્થક સોસાયટીના ગેટ પર પડ્યો હતો. સોસાયટીના ગેટ પાસે જ ભુવો પડતા સ્થાનિકો પરેશાન છે. તો બીજો ભુવો જમાલપુરમાં પડ્યો હતો. જમાલપુરના સોમનાથ ભુદરના આરા હનુમાનજી મંદિરની બાજુમાં નદીના પટમાં મસ મોટો ભુવો પડ્યો હતો.
ફતેહવાડી વિસ્તારમાં ચાલુ સિઝનમાં એક જ કિલોમીટરના અંતરમાં 4 જેટલા ભુવા પડ્યા છે. જેમાં એકનું કામ પૂર્ણ થવાને આરે છે. તો બાકી ત્રણમાં બેરીકેટિંગ મૂકી દેવામાં આવ્યા હતા. શુક્રવારે પડેલા ધોધમાર વરસાદના કારણે સોના પાર્ક અને મહોમદી પાર્કના ગેટ પાસે પડેલા ભુવા મોટા બનતા સોસાયટીનો રસ્તો બંધ થઈ ગયો છે.
આ સોસાયટીઓમાં 100 થી વધુ મકાનો આવેલા છે અને સોસાયટીના ગેટ પર ભુવો મોટો બનવાના કારણે સોસાયટીમાં અવરજવર પર સમસ્યા સર્જાઈ છે. જેને લઈને સ્થાનિકોએ તંત્રની કામગીરીને નારાજગી વ્યક્ત કરી છે.
ફતેહવાડી વિસ્તારમાં એક જ કિમીમાં 4 મોટા ભુવા પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો કે અન્ય વધુ કોઈ ભુવા ન પડે અને તેમાં કોઈ ગરકાવ ન થાય. કેમ કે ત્યાં પડેલા બે ભુવામાં વાહન ગરકાવ થયા હતા. જે ઘટના બનતા ભુવાના સ્થળ પર કોર્પોરેશન દ્વારા માત્ર સુચક બોર્ડ લગાવ્યા હતા. જેના કારણે સ્થાનિકોએ ભય ફેલાયો છે.
સ્થાનિકોએ નવી લાઇન નાખવા, ભુવાનું યોગ્ય કામ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ કરી છે. કેમ કે નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ લોકોની અવર જવરને લઈને પ્રશ્ન સર્જાયો છે. જેને લઈને આજે સ્થાનિકો, સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનોએ ભેગા મળી પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોવાનો કટાક્ષ કરી જુહાપુરાને ભુવાપુરા જાહેર કરવા માંગ કરી.
નરોડા વિસ્તારમાં રસ્તો બેસી જતાં વાહન ફસાયાની પણ ઘટના સામે આવી છે. નરોડા પાટિયાથી દેવી સિનેમા રોડ પર એચ પી પમ્પ પાસે થોડા મહિના પહેલા તંત્ર દ્વારા ખોદકામ કરી લાઇન નાખવામાં આવી હતી. જ્યાં વરસાદના કારણે જમીન બેસી જતાં ખાનગી બસ ફસાઈ હતી. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો