અમદાવાદના ગોતા વિસ્તારમાં પોલીસકર્મી કુલદિપ સિંહે (kuldipsinh yadav) એ પરિવાર સાથે સામુહિક આપઘાત કરતા પોલીસ બેડામાં (Ahmedabad police) શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. મૃતક પોલીસ કર્મીએ આપઘાત કરતા પહેલા પરિવારજનો અને પોલીસ મિત્રોને મેસેજ કર્યા હતા. હાલ સોલા પોલીસે (Sola Police) આપઘાત પાછળના ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
ઘટનાની વાત કરીએ તો ગોતામાં આવેલી દિવા હાઇટ્સમાં (Diva Heights) કુલદીપ સિંહ યાદવ તેમની પત્ની રિદ્ધિબેન અને ત્રણ વર્ષની દીકરી આકાંક્ષા સાથે રહેતા હતા. ગત મોડી રાત્રે દોઢ વાગ્યે પત્ની રિદ્ધિએ 12 માળેથી પડતું મૂક્યું અને બાદમાં પોલીસ કર્મી કુલદીપ સિંહએ ત્રણ વર્ષની દીકરી સાથે પડ્યું મૂક્યું. જેમાં ત્રણેયનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાથી પરિવારમાં આઘાત સાથે આક્રંદ જોવા મળ્યું.
પોલીસ કર્મીએ પરિવાર સાથે કરેલી આત્મહત્યા (Suicide) બાદ ઘણા તર્ક વિતર્કો સામે આવ્યા છે.કુલદીપ સિંહના બહેન અને બનેવીની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી.પરંતુ તકરાર કઇ બાબતે છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.તો બીજી તરફ પરિવારનું કહેવુ છે કે પોલીસ કર્મીના સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું.જેથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે પોલીસ કર્મીના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ કે અન્ય પરેશાની હતી કે કેમ…?
કુલદિપસિંહ એ ગઈકાલે આપઘાત કરતા પહેલા પરિવારજનો અને પોલીસ મિત્રોને મેસેજ પણ કર્યા હતા.જેમાં વસ્ત્રાપુર પીઆઇ સંદીપ ખાંભલાથી (PI Sandeep Khambhala) માંડી સાથી કર્મીઓ સાથે થયેલી હસી મજાક મેસેજમાં પોસ્ટ કરી હતી.તો બીજા મેસેજમાં મિત્રો અને પરિવાર જનોને યાદ કર્યા હતા. સાથે જ માતા-પિતાને નિવૃત્ત જીવન ગાળવા તથા બહેન બનેવીને સંબોધન પણ કર્યું હતું. આત્મહત્યા પહેલા પોતાની દીકરી સાથે કુલદિપસિંહ ખૂબ રમ્યા હોવાથી તેને સાથે લઈ જવું છું અને રિદ્ધિને કેવી રીતે એકલી મુકું એટલે તે પણ સાથે આવે છે તેવો મેસેજ પોસ્ટ કર્યો હતો.હાલ પોલીસે આ મેસેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.