શહેરમાં દિવસે ને દિવસે ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. તેમજ છેતરપિંડી માટે અવનવા પેંતરાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે વટવા પોલીસે સિમ સ્વેપ કરી બેન્ક ખાતા માંથી નાણાં ટ્રાન્સફર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સાથે વટવા પોલીસે કંપનીના મેનેજર અભિષેક ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વટવા પોલીસને ઘોડાસરના ધીરજ અડીયોલે ફરિયાદ કરી હતી કે તેના બેન્ક ખાતાની વિગત મેળવી બાદમાં બેન્ક સાથે લિંક મોબાઈલ નંબરનો સિમ નંબર મેળવી તેની સાથે લિંક અન્ય બેન્ક એકાઉન્ટની ડોટેઇલ મેળવી તેમાંથી નાણાં 9.96 લાખ ઉપાડી લીધા. ફરિયાદીએ વટવા પોલીસ સ્ટેશનમાં કરેલી આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસમાં સામે આવ્યું કે કેટલાક શખ્સો સિમ સ્વેપ કરી બેન્ક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી રહ્યા છે. જેની એક ગેંગ સક્રિય છે. જે કેસમાં તપાસ કરતા સીમ સ્વેપ કરી બેન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતી ગેંગની હરીયાણા – ગુડગાંવ ખાતેની સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપની હોવાનું સામે આવતા વટવા પોલીસે હરિયાણા જઈને કંપનીના મેનેજર અભિષેક દિલીપ મહેન્દ્ર ચૌધરીની ધડપકડ કરી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસને ફરિયાદ મળતા પોલીસે અધિકારીના સૂચન પ્રમાણે ટિમો બનાવી સર્વેલન્સ શરૂ કર્યું. જે ગુનાના કામે તપાસ કરતા વટવા પોલીસ ફરીયાદીના ફ્રોડના પૈસા સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપનીના એક્ષીસ બેન્કમાં ટ્રાન્સફર થયેલ હોવાનુ જણાઇ આવતા એક ટીમ બનાવી હરીયાણા ગુડગાવ ખાતે મોકલી આપી હતી.
પ્રાથમિક તપાસ કરતા સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપનીના ખાતામાં અલગ-અલગ 15થી વધુ ખાતામાંથી ટ્રાન્સફર થઈને આવેલા હોવાનુ જણાઈ આવતા કંપનીના મેનેજર અભિષેક દિલીપ ચૌધરીની અટક કરવામાં આવી હતી. આ ઉપરાંત તપાસમાં જણાઈ આવ્યુ કે સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપની અન્ય સેવાઓ જેવી કે પે.ટી.એમ. અને મોબીક્વીક, જેવી સેવાઓ પે વોલેટ એપ્લીકેશનના માધ્યમથી ઓનલાઈન તથા કેસ પેમેન્ટથી ટ્રાજેક્શન થાય છે. જેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
અભિષેકની તપાસ કરતા સામે આવ્યુ કે, તેના મોબાઈલમાં માત્ર વટવા જ નહીં પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારો સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં થયેલી 70થી વધુ છેતરપિંડીના રૂપિયા આ જ ખાનગી કંપનીના એકાઉન્ટમાં જમા થયાં હતાં. જેની સાથે અલગ અલગ બેંકની નોટીશો પણ મળી આવી છે. જેથી હવે આ ગુનામાં કંપનીના સીઈઓ પ્રવિણ ધવલની પણ પુછપરછ હાથ ધરી છે. સાથે જ સીમ સ્વેપ કરનાર આરોપી રામાશંકરનુ નામ સામે આવ્યુ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. તેમજ કંપનીના અલગ અલગ 8 બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યા છે જેના વ્યવહારોની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
એટલું જ નહીં પણ પોલીસે સુગલ & દામાણી યુટીલીટી સવીસ પ્રા.લી. કંપનીના ડાયરેક્ટર પ્રસાદ ચાંદ જૈન તેમજ નીતેશ રમેશ દામાણી, મીતુલ રમેશ દામાણી, પ્રવીણ ધાબાઈ અને લલીત બફાના તથા ફરીયાદીના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરનાર રમાશંકરની વધુ તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ ભોગ બન્યું છે કે કેમ અને ગેંગ કેટલા સમયથી સક્રિય છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે.
આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા: અમદાવાદ પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ ન મુકવા કરી અપીલ