Ahmedabad : રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા લોકોને ઘરનું ઘર આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે ઘણી યોજના પણ બનાવાઈ છે. આ મકાનો થકી લોકોને ઘરનું ઘર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરંતુ આ યોજના હેઠળ (Pradhan Mantri Awas Yojana) મળતી સુવિધા માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે.કારણ કે શહેરમાં ઓઢવ વિસ્તારમાં ફાળવવામાં આવેલા મકાનોમાં રહેતા લોકોએ તેમની સાથે મજાક કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે.
ઓઢવ ઈન્દિરાનગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનોમાં 32 બ્લોક 1610 મકાન આવેલા છે,જેમાં લિફ્ટ, બાકીના બે આંગણવાડી, બે હેલ્થ સેન્ટર, 4 મંદિર, 3 ચિલ્ડ્રન એરિયા, 2 કોમ્યુનિટી હોલ, cctv અને ફાયર સેફટી ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા અને ગેસ લાઇનની પણ સુવિધા છે. જેના કારણે પુનઃ વસન કરનારા લોકોને સારું મકાન અને સુવિધા મળી રહેશે તેવી આશા જાગી. પણ તેમની આશા પર પાણી ફરી વળ્યું હોય તેવુ લાગી રહ્યું છે. સ્થાનિકોએ નવા મકાન મળવા છતાં યોગ્ય સુવિધા નહિ મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે તે પણ યોજનાના લોકાર્પણના કેટલાક જ દિવસમાં આ આક્ષેપો થઈ રહ્યા છે.
તમને જણાવવું રહ્યું કે, 1 માર્ચ 2019ના રોજ પૂર્વ મેયર બીજલ પટેલે આ યોજનાનું ભુમિપૂજન કર્યું અને 21 માર્ચ 2022 ના રોજ મુખ્યમંત્રી દ્વારા ઓઢવ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝૂંપડપટ્ટી પુનઃ વસન અને વિકાસ પોલિસી અંતર્ગત ઈન્દીરાનગર છાપરના 1610 આવાસોનું અને 52 દુકાનોનું લોકાર્પણ કરી પનઃ વસન કરવામાં આવ્યુ હતુ. જે યોજના કુલ 164 કરોડ 74 લાખના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ આ યોજના માત્ર નામની રહી હોય તેવુ લાગી રહ્યું છે, કારણ કે લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ અનેક ફરિયાદો ઉઠી છે. આ સાથે લોકો ભ્રષ્ટચારના પણ આક્ષેપો લગાવી રહ્યા છે.લોકોનો આક્ષેપ છે કે 52 માંથી 29 દુકાનોમાં શટર ખોલતા બિલ્કુલ વચ્ચે 2 ફૂટના પીલ્લર છે જે પોલિસીની વિરુદ્ધ છે,લોકાર્પણ કરવામાં આવેલા ફ્લેટ્સ ના ઘણા બધા બ્લોકની અગાસીથી લીકેજ થઈ રહ્યુ છે.
ઉપરાંત ૫ જેટલા બ્લોક માં લિફ્ટ બંધ થઈ ગઈ છે, મકાન ફાળવાણીના 10 દિવસમાં જ માત્ર 10 ટકા લોકો રહેવા આવ્યા અને પાણીના બન્ને બોર બંધ થઇ ગયા જેથી બહારથી પાણીની સગવડ કરવી પડી.અણઘડ આયોજનના કારણે હાલ લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.આ યોજનાને લઈને વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સતાપક્ષ પર નિશાન સાધ્યું હતુ.
Published On - 8:08 am, Tue, 3 May 22