પાટીદારોની (Patidar) મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની આજે અમદાવાદમાં (Ahmedabad) બેઠક યોજાવાની છે. જેને લઈને રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક યોજાશે. બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, (naresh Patel) વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા હાજર રહેશે. આ બેઠક અંગે વાત કરીએ તો યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિના બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે ચર્ચા થશે.
આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કાલે સવારે 9.30 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બંધબારણે બેઠક યોજાશે. બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા થશે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા વગેરે દિગ્ગજો હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજકોટમાં(Rajkot) પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી.જેમાં સમાજમાં દીકરા-દીકરીના સગપણ માટે નડતી મુશ્કેલી, છુટાછેડાનું વધતું પ્રમાણ, આર્થિક સદ્ધરતા છતાં આપઘાતના વધતા જતા બનાવો જેવી સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. શિબિરમાં લગ્ન સંબંધિત વિવાદોના ઉકેલ માટે 10 સમાજશાસ્ત્રીઓની એક ટીમની રચના કરવામાં આવી છે.