Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં શુક્રવારે સવારે છ વાગ્યાથી શનિવારે સવારે છ વાગ્યા સુધી સરેરાશ 2.64 ઈંચ વરસાદ પડ્યો નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.69 ઈંચ વરસાદ પડ્યો છે. શુક્રવારે ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવેલા અંડર પાસ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. જોકે, વાસણા બેરેજના તમામ દરવાજા હાલ બંધ છે.
કોર્પોરેશનના મોન્સૂન કંટ્રોલરૂમમાં વરસાદી સમસ્યાની ફરિયાદો મળી રહી છે. અમદાવાદમાં 47 જગ્યા પર પાણી ભરાવાની ફરિયાદો મળી છે. તો 5 ભયજનક મકાનની, 3 રોડ સેટલમેન્ટની અને 1 ઝાડ પડવાની ફરિયાદ મળી છે. પાણી ભરાવાની 47 ફરિયાદમાંથી 36 જગ્યા પર નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય જગ્યા પર કામગીરી ચાલુ છે. તો રોડ સેટલમેન્ટ અને ભયજનક મકાનની ફરિયાદમાં પણ કામગીરી ચાલુ છે. ભયજનક મકાનની ફરિયાદમાં 5 માંથી 2 ફરિયાદમાં કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો Monsoon 2023: અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, જૂનાગઢના વિસાવદરમાં 12 કલાકમાં 14 ઈંચ વરસાદ
શહેરમાં શુક્રવારે પડેલા ભારે વરસાદ વચ્ચે ફાયર બ્રિગેડ કન્ટ્રોલરૂમને પણ ઈમરજન્સી કોલ મળ્યા હતા. બોપલ સાનિધ્ય હોમમાં ઇલેક્ટ્રીક મીટરમાં આગ લાગવાનો બનાવ તો લાલ દરવાજા એડવાન્સ સિનેમા પાસે વીજળી પડવાના કારણે દિવાલ પડી હતી. શ્યામલ ચાર રસ્તા પર શાલીગ્રામ આર્કેડમાં લિફ્ટમાં બે વ્યક્તિ ફસાયા જેમને સહી સલામત બહાર કઢાયા હતા. તેમજ થલતેજ ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે બસ પર દિવાલ પડી હતી. તો પરિમલ અંડરપાસમાં પાણીમાં એક કાર ફસાઈ હતી.
વૈષ્ણોદેવી સર્કલ ત્રાગડ અંડર પાસ પાસે પનાસ બંગલો સાઈડ સ્લેબની ઘટનામાં એક વ્યક્તિનું દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. પાંચકુવા દરવાજા પાસે હરણ વાળી પોળમાં મકાનની દિવાલ પડી હતી. આ ઉપરાંત બાપુનગર તેમજ વસ્ત્રાપુરમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. જેમાં ફાયર બ્રિગેડને કોલ મળતા કામગીરી કરવામાં આવી હતી.
અમદાવાદમાં શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે હાલાકી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. તો ક્યાંક વરસાદના કારણે વાહનો બંધ પડી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સિંધુભવન રોડ પર વહેલી સવાર સુધી કેટલાક વાહનો રસ્તા વચ્ચે બંધ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.