
નવી શિક્ષણ નીતિમાં (New Education Policy) એન્જિનિયરીંગ અને મેડિકલ સહિતના ઉચ્ચ શિક્ષણને પ્રાદેશિક ભાષામાં ભણાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ત્યારે ડીગ્રી-ડિપ્લોમા ઇજનેરીના પ્રથમ વર્ષના ગુજરાતીમાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (Gujarat Technological University) સ્થાપના દિને ગુજરાતી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.
આગામી શૈક્ષણિક વર્ષથી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ કોર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે હવે તેઓ અંગ્રેજીનો ડર રાખ્યા વગર તેમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકશે. નવી શિક્ષણનીતિ હેઠળ ગત વર્ષથી એન્જિનિયરીંગમાં ગુજરાતી માધ્યમમાં પ્રવેશ આપવામાં આવ્યા હતા. જો કે ગયા વર્ષે તેના પુસ્તકો ઉપલબ્ધ નહીં હતા. આ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ પૂર્વે જ GTUએ પ્રથમવર્ષ ડિપ્લોમા-ડીગ્રી માટેના ગુજરાતી પુસ્તકો પ્રકાશિત કરી વિમોચન કરી દેવાયા છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ મળીને કુલ 20 જેટલા પુસ્તકો હાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જે નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં હશે. હાલના તબક્કે પહેલા વર્ષના તમામ પુસ્તકો તૈયાર થઈ ચૂક્યા છે જ્યારે બીજા વર્ષના પુસ્તકોના તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના 11 જેટલા પુસ્તકો અને ડિગ્રી એન્જિનિયરિંગના 9 જેટલા પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ બાદ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
પુસ્તકોનું ગુજરાતી અનુવાદન કરવા માટે 2021થી વિષય નિષ્ણાતો કામ કરી રહ્યા હતા. અંગ્રેજીના કોર્ષને ગુજરાતીમાં અનુવાદ કર્યા બાદ તેના રિવ્યુ માટે પણ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. જુલાઈ 2021માં અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પુસ્તક રૂપાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અનુવાદન કરનાર અધ્યાપકો જણાવે છે કે, ટેક્નિકલ શબ્દોને અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાથી તેનો ભાવાર્થ વિદ્યાર્થી પણ ના સમજી શકે એવું પણ બનતું હોય છે. ત્યારે આ સ્થિતિએ ઇજનેરી શબ્દોની મુખ્ય ટર્મોનોલોજીને ધ્યાને રાખી અનુવાદન કરાયું છે. જે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવનાર ગુજરાતી વિદ્યાર્થીઓને રેફરન્સ બુક તરીકે પણ કામ આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો