રાજ્યમાં હજી તો વરસાદથી થયેલા નુકસાનની કળ ખેડૂતોને વળી નથી ત્યાં તો હવામાન વિભાગ દ્વારા ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો 31 તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેના પગલે ચાલુ વર્ષે બજારમાં ઘઉંના ભાવ ઉંચા રહે તેવી શક્યતા છે. છેલ્લા 15 દિવસમાં વરસેલા કમોસમી વરસાદથી કૃષિ ઉત્પાદનને માઠી અસર પડી છે. ઘઉંની સીઝન વખતે કમોસમી વરસાદથી ગુણવતા અને ઉત્પાદન પર અસર પડી છે. સિઝન વખતે જ આવક ઓછી થઈ રહી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી આવતા વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે.સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે.
ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે. મુખ્ય પ્રધાને ખેડૂતોને મૌખિક હૈયાધારણા આપી કે ખેતીમાં નુકસાનનો ગામડા મુજબ સરવે કરાશે અને જ્યાં વધુ નુકસાન થયું હશે તેના સરવે રિપોર્ટ આધારે અંતિમ નિર્ણય કરાશે.
Published On - 10:21 pm, Sun, 26 March 23