Ahmedabad: મોદી સરનેમને લઈને ચાલી રહેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટ તરફથી મળ્યો છે ઝટકો. સુરતની સેશન્સ કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને મોટો ઝટકો આપ્યો છે. સજા પર સ્ટે માગતી અરજી હાઈકોર્ટે ફગાવી છે. અપેક્ષાથી વિપરીત નિર્ણય આવતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. હાઈકોર્ટ બહાર જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેનરો સાથે ધરણા યોજ્યા અને પોસ્ટર્સ સાથે દેખાવ કર્યા હતા.
જો કે ફરિયાદી પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે. માનહાનિ કેસમાં રાહુલને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ કે ભાજપે કિન્નાખોરી રાખી ખોટા કેસ કર્યા છે. જગદિશ ઠાકોરે આક્ષેપ કર્યો કે સંસદમાં રાહુલ ગાંધીએ જે સવાલો ઉઠાવ્યા એટલે રાહુલ ગાંધીને દબાવવા જુદા જુદા રાજ્યોમાં ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળતા માનહાનિ કેસમા હવે રાહુલ ગાંધી સામે એકમાત્ર સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પણ આ ચુકાદા બાદ ભાજપ પર પ્રહાર કર્યો કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કર્ણાટક બાદ આગામી પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેમની કારમી હાર થવાની છે. 2024માં પણ ભાજપના સૂપડા સાફ થઈ જશે. દેશના મુખ્ય મુદ્દાઓ ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવી તેના ભાગરૂપે આ પ્રકારની નવી-નવી લડાઈઓ એ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Rahul Gandhi Breaking News : રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ,જુઓ Video
જો કે હાઈકોર્ટના આજના ચુકાદા બાદ તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ તોળાઈ રહ્યો છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત છે. હાલ રાહુલ ગાંધીનું સભ્યપદ યથાવત નહીં રહે. ત્યારે રાજકીય મોરચે રાહુલ ગાંધીને સૌથી મોટો ઝટકો મળ્યો છે. ત્યારે રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રાહુલ ગાંધીનું સભ્યપદ બચશે? શું રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડી શકશે? જો સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહુલને રાહત ન મળી તો શું? સવાલો અનેક છે, સંકટ મોટું છે, અને પરિણામ શું હશે તેના પર સૌની નજર મંડાઇ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો