Gujarat : મોડી રાત્રે મેઘરાજા મહેરબાન, અમદાવાદ સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો

|

Aug 18, 2021 | 8:17 AM

લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર તથા રાજુલા પંથકમાં વરસાદ પડ્યો હતો.

Gujarat : લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર તથા રાજુલા પંથકમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ લાંબા વિરામ બાદ ભરૂચમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ તરફ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા, ગોધરા પંથકમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ દાહોદ મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી.

લાંબા સમય બાદ દાહોદ શહેરમાં એક કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના અંડર બ્રીજ અને અનાજ માર્કેટમાં વરસાદી પાણી ભરાયાં હતાં જેના પગલે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ખેડા જિલ્લા નડિયાદ, મહેમદાવાદ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. જેમાં કમળા, વરસોલા, દેવકીવણસોલમાં વરસાદ નોંધાયો છે. તો ખાત્રજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયો છે. પવન અને વીજળી સાથે વરસાદ પડતા મુરઝાઇ રહેલા ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે.

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો. જેમાં વસ્ત્રાપુર, વસ્ત્રાલ, હાથીજણ, વિવેકાનંદનગર, ઓઢવ, નિકોલ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો કાલુપુર, શાહપુર, દિલ્હી દરવાજામાં પણ વરસાદ પડયો છે. સોનીની ચાલ, વિરાટનગર, ઓઢવમાં વરસાદ ખાબકયો હતો.

અમદાવાદ જિલ્લાના ધોળકામાં લાંબા વિરામ બાદ વરસાદ પડયો છે. મોડીરાત્રે ધોળકા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડયો છે. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો છે. લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. તાપીના નિઝર કુકરમુંડા તાલુકામાં મોડી સાંજે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે.

Next Video