Gujarat : બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં વહેંચીને પૂરો કરવા ભલામણ કરાઈ છે. આ ભલામણ સંસદના 30 સભ્યોનો સમાવેશ કરતી ઓલ પાર્ટી પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ કરી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતમાં અંદાજે 97 ટકા જમીન હસ્તગત કરી લેવાઈ છે. પરંતુ મહારાષ્ટ્રમાં હજી 26 ટકાની આસપાસ જ જમીન હસ્તગત થઈ છે. જેના કારણે વધુ વિલંબ ન થાય તે માટે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂરો કરવાની ભલામણ કરાઈ છે.
પહેલા તબક્કામાં સાબરમતીથી દાદરાનગર હવેલી સુધીનું કામ પતાવવા અને ત્યારબાદ દાદરાનગર હવેલીથી મુંબઈમાં બાંદ્રાકુર્લા કોમ્પ્લેક્સ સુધીનું કામ પૂરું કરવાની ભલામણ કરવામાં આવી છે. મહત્વનું છે કે જિકા તરીકે ઓળખાતી જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીએ બુલેટ ટ્રેન માટેની તમામ જમીન હસ્તગત થઈ જાય તે પછી જ કામ ચાલુ કરવાની શરત રાખી હોવાથી પ્રોજેક્ટનો આરંભ થઈ શકતો નથી.
પ્રોજેક્ટ વિલંબમાં મૂકાય તો તેને માટેનો ખર્ચ પણ વધતો જાય છે. તેથી પ્રધાનમંત્રી કાર્યાલયે પણ જાપાન સરકારને આ અંગે પત્ર લખીને બે તબક્કામાં પ્રોજેક્ટ પૂરો કરવામાં સહયોગ આપવાની રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
તો બીજી તરફ સાબરમતીને બદલે ગાંધીનગરમાં બનાવેલા નવા સ્ટેશન સુધી પણ આ પ્રોજેક્ટને લંબાવવામાં આવે તેવી સંભાવના છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા લોકો ગાંધીનગર રેલવે સ્ટેશન પરની ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતારો મેળવીને મહાત્મા મંદિરમાં યોજાનારા સમારોહમાં તરત પહોંચી શકે તેવી પણ ગણતરી આ એક્સટેન્શન પાછળ હોવાનો તર્ક કરવામાં આવી રહ્યો છે.
સાબરમતી-અમદાવાદથી દાદરાનગર હવેલી સુધીના અંદાજે 364 કિલોમીટરનું કામ પહેલા પૂરું કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ ટ્રેક માટેની અંદાજે 96 ટકાથી વધુ જમીન હસ્તગત-એક્વાયર કરી લેવામાં આવી છે. આ ગાળામાં મહારાષ્ટ્રના વિસ્તારમાં જમીન હસ્તગત કરવાની કામગીરી ખાસ્સી આગળ વધી જશે. તેથી પ્રોજેક્ટ સરળતાથી અને ઝડપથી પૂરો થઈ શકશે.