દિવાળીની રાત્રે અમદાવાદીઓએ મન મુકીને ફટાકડા ફોડ્યા અને તેના વરવા દૃશ્યો હવે સામે આવી રહ્યા છે. અગાઉથી ઝેરી બનેલી અમદાવાની હવાની ગુણવત્તા ભયજનક રીતે કથળી છે. દિવાળીએ ધૂમ આતિશબાજીની મજા માણ્યા બાદ હવે અમદાવાદીઓએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે પણ તૈયાર રહેવુ પડે તો નવાઈ નહીં. કારણ કે અમદાવાદની હવામાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધ્યુ છે કે AQI (Air Quality Index) 600 ને પાર પહોંચી ગયો છે.
વિસ્તાર પ્રમાણે જો જણાવીએ તો અમદાવાદના સોલા વિસ્તારમાં અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ બ્રેક AQI નોંધાયો છે. સોલા વિસ્તારમાં AQI 735 નોંધાયો હતો. ધુમાડાના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી.
દિવાળીની રાત્રિ બાદ અમદાવાદની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શહેરનો સરેરાશ AQI 189 નોંધાયો હોવા છતાં અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 200ને પાર પહોંચી ગયું છે. સોલા સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ 251 AQI નોંધાયો છે. જ્યારે થલતેજમાં 248, હેબતપુરમાં 236, શિવાલિક લેકવ્યૂ પાસે 225 અને શાંતિગ્રામ પાસે 202 AQI નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે.
દિવાળીની રાત્રે ફટાકડા ફૂટ્યા બાદ અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ અત્યંત વધી ગયું હતું. સોલા વિસ્તારમાં AQI 735 સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત સાઉથ બોપલ, પ્રહલાદનગર અને થલતેજ સહિતના વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી હતી. ફટાકડાના ધુમાડાને કારણે વાતાવરણમાં ધૂંધળાશ છવાઈ હતી અને રસ્તાઓ પર વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં સામાન્ય દિવસોમાં પ્રદૂષણનું સ્તર 200ની આસપાસ નોંધાતું હતું, પરંતુ હવે કેટલાક વિસ્તારોમાં AQI 250થી પણ વધુ નોંધાઈ રહ્યો છે. એટલું જ નહીં, અમદાવાદની આસપાસનાં ગામો અને વિસ્તારોમાં પણ AQIનો આંકડો 300ને પાર પહોંચ્યો છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાની સાથે ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રવૃત્તિઓને કારણે પણ હવાના પ્રદૂષણમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યનાં અન્ય શહેરોમાં પણ હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. આણંદના પેટલાદમાં સૌથી વધુ 583 AQI નોંધાયો છે. જ્યારે જસદણમાં 393, ખંભાત અને પોરબંદરમાં 352, રાજકોટમાં 325 અને જામનગરમાં 314 AQI નોંધાયો છે.
આ ઉપરાંત સાણંદના ગીબપુરામાં 277, આણંદમાં 271, ધોળકામાં 227, દ્વારકામાં 212, ભરૂચમાં 212 અને ભુજમાં 211 AQI નોંધાયો છે. સુરતમાં AQI 199 અને વડોદરામાં 177 નોંધાયો છે. આમ, રાજ્યનાં અનેક શહેરોમાં હવાની ગુણવત્તા બગડી રહી છે.
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે. જોકે દિવાળીની આસપાસ ફટાકડાના ધુમાડાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. AQI 200થી ઉપર પહોંચે ત્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને શ્વસન સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે ખાસ ચિંતા ઊભી થાય છે.
અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં જે રીતે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. દિલ્હી જેવી પ્રદૂષણની ગંભીર સ્થિતિનો સામનો અમદાવાદે પણ કરવો પડે તેવી આશંકા વચ્ચે હવાની ગુણવત્તામાં સુધારો લાવવો મોટો પડકાર બની રહ્યો છે.
Input Credit- Jignesh Patel- Ahmedabad
Published On - 2:58 pm, Mon, 9 November 26