અમદાવાદમાં બેફામ દોડતી ટ્રાવેલ્સ બસની અડફેટે આવતા બાઈક પર સવાર યુવતીનું મોત, શિવરંજની ચાર રસ્તા પર થયો અકસ્માત- વીડિયો

અમદાવાદ: એ જોઈ રહી હતી મનના માણીગર સાથે લગ્નના સપના, ટૂંક સમયમાં જ હાથોમાં લાગવાની હતી મ્હેંદી, કોડ ભરેલી યુવતીનું રોળાયુ સપનુ, મળ્યુ મોત, શહેરમાં બેફામ સ્પીડે દોડતી ખાનગી બસની રફ્તારે વધુ એક આશાસ્પદ યુવતીનો ભોગ લીધો છે. ઘટના છે શિવરંજની ક્રોસ રોડની જ્યાં સિગ્નલ પર જ ઉભેલા બાઈક પર સવાર યુગલને ખાનગી બસે અડફેટે લેતા યુવતીનું મોત થયુ છે.

| Edited By: | Updated on: Nov 26, 2023 | 9:41 PM

અમદાવાદમાં બેફામ ખાનગી બસની રફ્તાર વધુ એક આશાસ્પદ યુવતીનો ભોગ લીધો છે. શહેરના શિવરંજની ક્રોસ રડ પર બસ ચાલકે બાઇકને અડફેટે લેતા કોડભરી કન્યાનું તેના ફિયાન્સની નજર સામે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું. બપોરના સમયે યુવક અને યુવતી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસ આ યુગલ પર કાળ બનીને ત્રાટકી. પૂરપાટ વેગે ધસી આવેલી બસે બાઇકને અડફેટે લેતા યુવક અને યુવતી બંને નીચે પટકાયા. રોડ પર પટકાયેલી યુવતીનું માથુ બસના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

ફેબ્રુઆરી મહિનામાં જ યુગલના થવાના હતા લગ્ન, એ પહેલા યુવતીનું મોત

સૌથી મોટી કરુણતા એ છે કે બાઇકસવાર યુગલ ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં જોડાવાનું હતું. મૃતક યુવતીનું નામ હિરલ જાદવ હોવાનું અને તે દિયોદરની હોવાનું સામે આવ્યું છે. હિરલની સગાઇ ઇસનપુરના યુવક સાથે થઇ હતી. પરંતુ લગ્નનું પાનેતર ઓઢી ભાવિ પતિ સાથે સુખી સંસારમાં પગલાં પાડે તે પહેલા જ યુવતીનું અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે.

સિગ્નલ બંધ થવાની લ્હાયમાં ડ્રાઈવરે પૂરપાટ દોડાવી બસ, આગળ ઉભેલા બાઈકને મારી ટક્કર, યુવતીનું મોત

શહેરમાં બેફામ રીતે દોડી રહેલ ખાનગી બસના ચાલક એ વધુ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો છે. સિગ્નલ બંધ થવાના ડરમાં બસ પૂરપાટ ઝડપી ચલવતા સિગ્નલ પર રહેલા બાઈક પર યુવક યુવતીને અડફેટે લીધા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે સિગ્નલ પર ઉભેલા બાઈક ચાલકને પુરપાટ ઝડપે આવી રહેલી પટેલ ટ્રાવેલ્સની બસ સિગ્નલ બંધ થાય એ પહેલા નીકળવાની લ્હાયમાં બાઈકને અડફેટે લે છે.

અકસ્માત સર્જી ડ્રાઈવર ગંભીરસિંહ ફરાર થાય એ પહેલા સ્થાનિકોએ પકડી લઈ પોલીસને સોંપ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે બાઈક ચાલક હિરેન પરમાર શાહપુરનો રહેવાસી છે. થોડા દિવસો પહેલા જ બન્નેની સગાઈ થઈ હતી. અને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન પણ હતા. લગ્ન ની ખરીદી કરવા માટે બન્ને બોપલ પાસે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો. જોકે અકસ્માત કરીને બસ ચાલક ગંભીરસિંહ ફરાર થઈ રહ્યો હતો પરંતુ સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં માવઠાની બીજી ઇનિંગ, બોપલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

પ્રતિબંધ હોવા છતા દિવસે  શહેરમાં ખાનગી બસ દોડાવવાનો પરવાનો કોણે આપ્યો ?

હાલ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી બસ ચાલકની ધરપકડ કરીને બસને કબ્જે લીધી છે. નોંધનીય છે કે ભારે બસ શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ શહેર પોલીસની મીલીભગતથી બેરોકટોક ફરી રહી છે અને લોકોના જીવ લઈ રહી છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલકને આ બસ માટેની મંજુરી હતી કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:35 pm, Sun, 26 November 23