
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી એક કોમર્શિયલ ગેસ એજન્સીમાં એક ગંભીર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. આ દુર્ઘટના બપોરે લગભગ 4:30 વાગ્યાના અરસામાં બની હતી, જ્યારે એજન્સીમાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ બ્લાસ્ટના કારણે વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા અને વધુ નુકસાન અટકાવવા માટે ઝડપથી કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર અધિકારી ડોંગરે સાહેબે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે ફાયર કંટ્રોલ રૂમમાં 4:40 વાગ્યે સિલિન્ડર બ્લાસ્ટ થયાનો કોલ મળ્યો હતો. ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત જણાયા હતા, જેમને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
એજન્સીના પરિસરમાં 50થી વધુ ગેસ સિલિન્ડરોનો સંગ્રહ હતો, જેમાંથી ત્રણ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને બાકીના સિલિન્ડરોને આગની ઝપેટમાં આવતા બચાવ્યા હતા. ફાયર અધિકારીએ ઉમેર્યું કે આશરે 110 સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી 8 થી 10 સિલિન્ડરો હજુ પણ લીક થઈ રહ્યા હોવાથી તેના પર સતત પાણીનો છંટકાવ કરીને તેમને ઠંડા કરવામાં આવી રહ્યા છે, જેથી વધુ કોઈ અનહોની ઘટના ન બને.
બ્લાસ્ટનું પ્રાથમિક કારણ ગેસ રિફિલિંગ હોવાનું સામે આવ્યું છે. નાના સિલિન્ડરોમાં મોટા સિલિન્ડરોમાંથી ગેસ ભરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી, તે દરમિયાન જ આ વિસ્ફોટ થયો. ફાયર અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી રેગ્યુલેટર વાલ્વ અને ફિલિંગ અરેન્જમેન્ટ મળી આવ્યા છે, જે રિફિલિંગની પ્રવૃત્તિની પુષ્ટિ કરે છે. બ્લાસ્ટ થયેલું સિલિન્ડર પણ નાનું હતું, જે રિફિલિંગ દરમિયાન થયેલા અકસ્માત તરફ ઈશારો કરે છે. સમયસર ફાયર ટીમ ન પહોંચી હોત તો આગના સંપર્કમાં આવેલા અન્ય સિલિન્ડરો પણ વિસ્ફોટ થઈ શક્યા હોત, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી.
હાલ આ ગેસ એજન્સી કેટલા સમયથી કાર્યરત હતી, તેની પાસે જરૂરી પરવાનગીઓ હતી કે કેમ, અને સુરક્ષાના માપદંડોનું પાલન કરવામાં આવતું હતું કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને સંબંધિત અધિકારીઓ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી કલાકોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
મેયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી, ચીફ ફાયર ઑફિશર પાસેથી ઘટના અંગેની લીધી જાણકારી.
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
Published On - 5:42 pm, Fri, 19 June 26