અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડાની આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી. સૌપ્રથમ બાકરોલ અને ત્યારબાદ દાણીલીમડા સ્થિત ઢોરવાડાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી અને અહીં રાખવામાં આવેલ ગાયોની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યપાલે ઢોરવાડાના સંચાલકને પણ ગાયોની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. જેમા તેમણે વાછરડા અને મોટી ગાયોને અલગ રાખવા અંગે સૂચના આપી હતી. સાથે જ ગાયોની યોગ્ય માવજત થાય તે અંગે પણ મનપા તંત્રને ટકોર કરી હતી. રાજ્યપાલે આગામી 20 દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવે તેની જાણ કરવા પણ સૂચનો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે મનપા સંચાલિત ઢોરવાડામાં અત્યાર સુધીમાં 30થી વધુ ગાયોના અકાળે મોત થઈ ચુક્યા છે . જેને લઈને પશુપાલકોનો વિરોધ સતત યથાવત છે. તેમનો આક્ષેપ છે કે ઢોરવાડામાં પશુઓની યોગ્ય માવજત થતી નથી. પશુપાલકોના આ આક્ષેપોને મનપાના CNCD વિભાગે નકાર્યા હતા અને બે ગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યુ હતુ કે ગાયોના મોત પ્લાસ્ટિક ખાવાથી થયા છે. રખડતી ગાયો પ્લાસ્ટિક ખાવા ટેવાયેલી હોય છે અને ઢોરવાડામાં તેમને અપાતુ લીલુ ઘાસ તેઓ પચાવી શક્તી નથી. જેના કારણે ગાયોને આફરો ચડવા જેવી સમસ્યા થાય છે જેમા કેટલીક ગાયોના મોત થયા છે.
જો કે પશુપાલકોએ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને મૌસાળમાં જમણ અને મા પિરસનારી જેવો ઘાટ હોવાનુ જણાવ્યુ. પશુપાલકોનો સીધો આરોપ છે કે 2000 જેટલી ગાયોના આ પ્રકારે મોત થયા છે ત્યારે તેમની એટલી જ માગ છે કે મનપાની ટીમે પકડેલા ઢોર માલધારીઓને પરત આપી દેવામાં આવે. તેમજ હાલ ઢોર રાખવા માટેની જે લાયસન્સની પ્રક્રિયા અમલી બનાવાઈ છે તેને થોડી હળવી કરવામાં આવે.
સાથોસાથ પશુપાલકોને તેમના ઘરે ગાયોને રાખવાની છૂટ આપવામાં આવી. બીજીતરફ હાલ ઢોરવાડામાં રખાયેલી ગાયોની પણ મનપા દ્વારા યોગ્ય માવજત થાય તેવી માગ માલધારીઓ કરી રહ્યા છે. જો કે આજની રાજ્યપાલની મુલાકાતથી ઢોરવાડામાં પશુઓની સ્થિતિ થોડી સુધરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી બહાર દબાણનો મુદ્દો, લારી-ગલ્લાના વેન્ડરોની દાદાગીરી, પોલીસ દબાણ દૂર કરાવવામાં નિષ્ફળ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો