હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ગુજરાત ( Gujarat ) પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચો : IPL 2023 Trophy: IPL ટ્રોફીમાં છે ઘણી વિશેષતાઓ, જાણો ટ્રોફી પર લખેલા સંસ્કૃત શ્લોકનો અર્થ શું છે
રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાને જોતા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
કેટલાક જિલ્લામાં 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જો કે ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
મહેસાણાના બેચરાજીમાં પણ વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી ગઈ છે. પહેલા જ વરસાદમાં લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદ પડતા યાત્રાધામ બેચરાજીને જોડતા ત્રણ રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
બેચરાજીને જોડતા મુખ્ય ત્રણ રસ્તાઓ ઉપર બનેલા રેલ્વે અંડર પાસ પાણી ભરાઈ જતા રસ્તો બંધ થયો હતો બેચરાજીથી સંખલપૂર જતાં રોડ ઉપર રેલ્વે અંડર પાસમાં પાણી ભરાયા હતા. તો હારીજ બેચરાજી રોડ ઉપર પણ રેલ્વે નાળું ભરાઈ જતાં આ રસ્તો પણ બંધ થયો હતો. રસ્તો બંધ થતાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રિકો ફસાયા હતા.
પંચમહાલમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરા, શહેરા, મોરવા હડફ, કાલોલ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વીજળી ગૂલ થવાની પણ ફરિયાદ ઉઠી હતી. જેના કારણે લોકોએ અંધારામાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.
Published On - 1:48 pm, Mon, 29 May 23