અમદાવાદમાં IPL શરૂ થાય તે પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. દૂધેશ્વર ઓફિસમાં રેડ કરી સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે. રેડ દરમિયાન 1800 કરોડથી વધારેના પૈસાના વ્યવહાર મળી આવ્યા છે. ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરાતુ હોવાનુ સામે આવ્યુ છે. ઓનલાઈન સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરવા ઓફિસ રાખી હતી. 500થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. 100 જેટલા સીમકાર્ડ અને મોબાઈલ મળી આવ્યા છે. આ સાથે લાખોનો મુદ્દામાલ પીસીબીને ટીમે પકડ્યો છે.
PCBએ આરોપી જીતેન્દ્ર હિરાગર, સતીષ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ માધવપુરામાં આવેલા સુમેલ બિઝનેસ પાર્ક-6 માં એક ઓફીસ રાખી હર્ષીત જૈન નામના વ્યક્તિની મહાવીર એન્ટરપ્રાઈઝ નામની ઓફીસમાં ગેરકાયદે ક્રિકેટ સટ્ટાની બુકમાં ડેટા મેળવી ડમી બેંક એકાઉન્ટ દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરાવી સોદા કરાવતા.
આરોપીઓ ખોટા આધાર પુરાવાઓના આધારે ડમી બેંક એકાઉન્ટમાં ગેરકાયદે નાણાકિય વ્યવહારો કરી નાણાકિય લાભ મેળવતા. સાથે જ અલગ-અલગ વ્યક્તિઓના નામના ખોટા ભાડા કરારો બનાવી અમદાવાદ શહેરમાંથી ગુમાસ્તા ધારાનુ લાઇસન્સ મેળવવા રજુ કરી ડમી પેઢીના નામે લાઇસન્સ મેળવ્યું છે. આ દસ્તાવેજોના આધારે જુદી-જુદી કંપનીના સીમકાર્ડો ખરીદી અલગ-અલગ બેંકમાં ડમી પેઢી કે વ્યક્તિઓના નામે બેંક ખાતાઓ ખોલાવતા.
ડમી ખાતાઓ દ્વારા ઓનલાઇન બેટીંગ CBTF247.com, mahadev139, cricketbet9.com તથા અન્ય નામની ક્રિકેટ સટ્ટાની એપ્લીકેશનમા થતા ગેરકાયદેસરના ક્રીકેટ સટ્ટાની બુકમાં ડેટા મેળવી ડમી બેંક એકાઉન્ટ દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરતા અને કરાવતા. આરોપીઓ માત્ર ક્રીકેટ સટ્ટાની સાથે શેર બજારના ડબ્બા ટ્રેડીંગ પણ કરાવતા.
ઓફીસ રાખનાર હર્ષિત જૈન તેના માણસો મારફતે બેંક એકાઉન્ટો ખોલવા માટે દસ્તાવેજો મંગાવી પકડાયેલા આરોપીઓને આપતો. બાદમાં બેંકોમાં એકાઉન્ટો ખોલી તે આધારે મોબાઇલ, સીમકાર્ડ મેળવી બેંક એકાઉન્ટ એક્ટીવ કરી તે એકાઉન્ટની કીટ ધારકને ત્યાં નહિ પણ આ ઓફીસે લાવી તેમાંથી ચેકબુક તથા ડેબીટકાર્ડ મેળવી લેતા. બાદમાં જે મોબાઇલ નંબરથી જે બેંક એકાઉન્ટ એક્ટીવ કરાયા હોય તે સીમકાર્ડ હર્ષિતને આપવામાં આવતુ.
હર્ષિત આ એક્ટીવ થયેલા એકાઉન્ટનુ સીમકાર્ડ ઉદયપુર, શાહીબાગ, રાજસ્થાન, મુંબઇના અન્ય શખ્સોને આપતો હતો. જે શખ્સો આ બેંક એકાઉન્ટ આગળ ઓનલાઇન ક્રીકેટ સટ્ટાની cricketbet9.com સાઇટની mahadev નામની ચાલતી બુકમાં તથા skyexchange.com,abexch.com, diamondexch9.com,betbl247.com, khalifabook,radhebook, mahadevbook, annakrishnabook તેમજ સટ્ટા બેટીંગ તથા જુગારની ઓનલાઈન ચાલતી બુકોને પ્લેટફોર્મ આપતી કંપનીના આઠથી વધુ બુકીઓ કે જે દુબઇમાં છે તેઓને પણ આપતા હતા.
બાદમાં આ સટ્ટાની બુકના માણસો તેમના ગ્રાહકોને નાણાંની લેવડદેવડ માટે આ બેંક એકાઉન્ટો આપતા. આ બેંક એકાઉન્ટમાં જે કોઇ ટ્રાન્ઝેક્શન થાય તે પ્રમાણે એક લાખના સાડા ત્રણ ટકા કમિશન હર્ષિતને મળતું. હર્ષિત નામનો વ્યક્તિ વર્ષ 2021થી આશરે 500 થી પણ વધુ જુદા-જુદા વ્યક્તિઓ તથા કંપનીના નામથી જુદી-જુદી બેંકોમાં એકાઉન્ટો ખોલાવી તે એકાઉન્ટોમાં મહિને 70 કરોડ જેટલાના વ્યવહારો કરી અત્યાર સુધી 1500થી બે હજાર કરોડના વ્યવહારો કરી ચૂક્યો હોવાનું આરોપીની કબૂલાતમાં સામે આવ્યુ છે. આરોપી હર્ષિત નામનો વ્યક્તિ જે ગ્રાહકના નામે બેંક એકાઉન્ટ ખોલાવે તે ધારકને માસીક પાંચથી દસ હજાર રૂપિયા કમિશન પેટે પણ આપતો હતો.
પોલીસને મહાદેવ બુકમાંથી જે આઇડી મળ્યા તે આઇડી આરોપીઓએ 35 હજારમાં લીધા હોવાનું સામે આવ્યુ છે. આ મહાવીર એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ અજયકુમાર જૈનના નામે રજીસ્ટર કરાવી હોવાનું સામે આવ્યુ છે. પોલીસને મળેલા 193 સીમકાર્ડોની તપાસ પણ ચાલી રહી છે. તો આરોપી સતીષ પરીહારના મોબાઇલ ફોનમાંથી મળી આવેલા આઇડી ઇન્સ્ટાગ્રામ પરની લીંક પરથી તેણે પૈસા આપીને લીધું હોવાનું સામે આવ્યુ છે. તો આરોપી અંકિત ગેહલોત બેંકિગ તથા નાણાકીય વ્યવહારોનુ કામ કરવા ચારેક મહીના પહેલા નોકરીએ લાગ્યો હતો.
આરોપી નીરવ પટેલના ફોનમાંથી વેલોસીટી સર્વરનુ મેટાટ્રેડરનુ માસ્ટર આઇ.ડી. મળી આવ્યુ હતુ. જે આઇ.ડી. હર્ષિતના કહેવાથી ગેરકાયદે શેરબજારના સોદા કરવા ગ્રાહકોના લિમિટ વાળા આઇ.ડી. બનાવી આપતો. ગેરકાયદે શેરબજારના ડબ્બા ટ્રેડીંગના તમામ ગ્રાહકોને નિરવ પટેલ જ ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે તપાસ દરમિયાન 50 હજાર રોકડ, 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, જુદી જુદી બેંકના 14 POS મશીન, એક રાઉટર 193 સીમકાર્ડ, 7 પાનકાર્ડ, જુદી જુદી કંપનીઓના નામના 83 સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓ ઓનલાઇન સટ્ટો ચલાવવા નામચીન બુકીઓ તરફથી પૈસા લેવડદેવડ કરતા હતા. જેવા 16 બુકીઓ વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં વોન્ટેડ બુકીઓ સૌરભ ચંદ્રકાર ઉર્ફે મહાદેવ, અમીત મજેઠીયા, માનુશ શાહ અને અન્ના રેડ્ડી સહિતના બુકીઓ દુબઈ રહીને ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા છે. ત્યારે હવે આરોપીઓની તપાસમાં સામે આવશે કે તેઓ આ વ્યવહાફર કઈ રીતે કરતા હતા? પૈસાની લેવડદેવડ કઈ રીતે કરવામાં આવતી હતી. અન્ય લોકો દ્વારા કઈ રીતે આરોપીઓને સટ્ટા બજારના વ્યવહારોમાં મદદ કરવામાં આવતી હતી.
Published On - 12:50 pm, Sun, 26 March 23