
Ahmedabad: રાજ્યની સૌથી મોટી યુનિવર્સીટી ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ ડૉ નિરજા ગુપ્તા મળ્યા છે. જૂન અંતમાં હાલના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાની ટર્મ પૂર્ણ થઈ રહી હતી. અંતિમ દિવસે જ શિક્ષક વિભાગે પરિપત્ર કરી ડૉ.નિરજા ગુપ્તાને ગુજરાત યુનિવર્સીટીના નવા કુલપતિ તરીકે જાહેર કર્યા છે. ડૉ નિરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સીટીના ઇતિહાસના પ્રથમ મહિલા કુલપતિ છે.
1949 માં સ્થાપિત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીના 18 માં કુલપતિ તરીકે મૂળ અમદાવાદી અને સાંચી યુનિવર્સિટી ઓફ બુધ્ધિસ્ટ-ઇન્ડિક સ્ટડી, સાંચી, મધ્યપ્રદેશ ના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાની પસંદગી કરાઈ છે. 30 જૂને ડૉ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી હતી. એજ સાંજે નિરજા ગુપ્તાની પસંદગી ત્રણ વર્ષ કે 65 વર્ષ બંને માંથી જે જલ્દી થાય ત્યાં સુધી કરાઈ છે.
ડૉ. નીરજા ગુપ્તા RAPG કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006 થી 2012 સુધી ડૉ.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેને ઉર્દૂમાં પણ જ્ઞાન છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ડૉ નિરજા ગુપ્તાની કાયમી નિમણૂક થઈ છે ત્યારે હજીપણ રાજ્યની 8 યુનિવર્સીટીઓ એવી છે કે જ્યાં ઇન્ચાર્જ કુલપતિથી ચાલી રહી છે. જેમાં GTU, ચિલ્ડ્રન યુનિવર્સીટી, ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ, ઉત્તર ગુજરાત યુનિ, ભાવનગર યુનિ, સરદાર પટેલ યુનિ, સૌરાષ્ટ્ર યુનિ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીનો સમાવેશ થાય છે. આ યુનિવર્સીટીઓમાં પણ કાયમી કુલપતિ નિમનુકની માંગ થઈ રહી છે.
Published On - 5:30 pm, Fri, 30 June 23