ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી

ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં સામાજિક સમરસતાના હિમાયતી, કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, અને પૂજ્ય ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટી તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની સર્વાનુમતે વરણી
Gujarat Vidyapeeth Board
| Edited By: | Updated on: Apr 20, 2023 | 10:30 PM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષપદે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક યોજાઈ હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં સામાજિક સમરસતાના હિમાયતી, કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, અને પૂજ્ય ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી

આચાર્ય દેવવ્રતજીએ બેઠકનુ કર્યુ સંબોધન

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંડળની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિશ્વ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં ગુજરાત વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશે.

વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, અન્યથા ગુજરાત વિદ્યાપીઠ માત્ર એક ઈમારત જ રહી જશે, જેનો કોઈ અર્થ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ જ ઉદ્દેશોની આજે સમાજને આવશ્યકતા છે. પૂજ્ય ગાંધીજીના વિચારો પુરાતન નથી, શાશ્વત છે. જીવનની આવશ્યકતા છે. તેમણે તમામ ટ્રસ્ટીઓને ચિંતન કરવા, નવા ઉકેલો શોધવા અને પ્રગતિશીલ અભિપ્રાયો ખુલીને વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.

નવા ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો

તે સાથે ગુજરાત વિદ્યાપીઠ પ્રત્યે સામાન્ય નાગરિકોમાં શ્રદ્ધા અને સન્માનનો ભાવ પુનઃ પ્રગટ થાય એવા પ્રયત્નો કરવા તમામ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો. તેમજ આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે કહ્યું હતુ કે મનમાં પવિત્રતા સાથે પૂજ્ય ગાંધીજીના માનવ કલ્યાણ, ગરીબ ઉત્કર્ષ, સહિષ્ણુતા, પ્રેમ અને જ્ઞાતિ-જાતિ ભેદના સિદ્ધાંતોને પુનર્જીવિત કરવા સહિયારા પ્રયત્નો કરવાના છે. તેમણે સ્પષ્ટ ચિંતન, દૃઢ નિર્ણયશક્તિ અને સમર્પિત ભાવથી ટીમ સ્પિરિટ-પરિવાર ભાવનાથી કામ કરવા સૌ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજી, પદ્મભૂષણ રાજ બિરલાજી, દિલીપભાઈ ઠાકર, ડૉ. હર્ષદભાઈ પટેલ અને કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી નું ચરખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી એ ગત ત્રણ મહિના દરમિયાન થયેલી કામગીરી અને પ્રગતિનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલભાઇ ભટ્ટે બેઠકનું સંચાલન કર્યું હતું.