કોઇ વ્યક્તિને પોતાનુ મકાન હોય પરંતુ વર્ષો બાદ પણ તેને વેચી ન શકે અને વેચે તો તેને ખરીદનાર પોતાના નામે મકાન ન કરી શકે. આવુ ક્યાય સાંભળ્યુ છે ખરુ ? અત્યાર સુધી અમદાવાદમાં (Ahmedabad) AUDA ના મકાનો (AUDA Houses) ધરાવતા લોકોને આ જ મુશ્કેલી નડતી હતી. જો કે હવે આ સમસ્યાનું નિરાકરણ થયુ છે. ઔડા દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે. આ નવી નીતિના કારણે ઔડાના મકાન ધારકોને હવે ફાયદો થશે. ઔડાનું મકાન ધરાવનારા લોકો હવે સરળતાથી પોતાનું મકાન વેચી શકશે.
અત્યાર સુધી AUDAના મકાન લોકિંગ પિરિયડ બાદ પણ મકાન માલિકો પોતાનુ મકાન વેચી શકતા ન હતા. એટલુ જ નહી AUDA નુ મકાન ખરીદનારે દસ્તાવેજ કર્યા વિના જ મકાન ખરીદવુ પડતુ હતુ. આ તમામ મુસિબતમાંથી હવે મકાન માલિકોનો માર્ગ AUDA દ્વારા મોકળો કરાયો છે. AUDA દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. AUDAના EWS, LIG 7 વર્ષ પછી અને MIG,HIG 5 વર્ષ પછી વેચી કે ખરીદી શકાશે. જેથી AUDAના મકાન પર લોન લઇ શકાશે, મકાનને મોરગેજ કરી શકાશે અને દસ્તાવેજ કરી મકાન વેચી કે ખરીદી શકાશે.
AUDA દ્વારા બીજો મહત્વનો નિર્ણય પણ કરવામા આવ્યો છે. જેમા મકાનના દસ્તાવેજ કે નામ તબદિલ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ધરખમ ઘટાડો કરાયો છે. વર્ષ 2016 પછીના આવાસોમાં દસ્તાવેજો AUDA દ્વારા જ તૈયાર કરી આપવામા આવશે. જેની કોઇ વધારાની રકમ મિલકત ધારકે ચુકવવાની રહેશે નહી. એટલુ જ નહીં સ્ટેમ્પ ડ્યુટી માત્ર 100 રુપિયા ચુકવવાની રહેશે. આ પહેલા મકાનની કિંમત પર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેતી હતી.
ઉદાહરણ તરીકે જોઈએ તો 5.5 લાખ કિંમતના આવાસની સ્ટેમ્પ ડ્યુટી પુરુષ માટે 39045 અને સ્ત્રી માટે 28045 ભરવાની આવતી હતી. પરંતુ હવે પુરૂષ તેમજ સ્ત્રી બંને માટે માત્ર 100 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટીના ભરવાના રહેશે. જેનો લાભ AUDA નિર્મિત મકાનોમાં રહેતા 47051 આવાસના માલિકોને મળશે. અત્યાર સુધી મકાનની કિંમત પર સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવતી હતી. હવે માત્ર 100 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી આવાસના લાભાર્થીઓએ ભરવાની રહેશે.
AUDAના આ મહત્વપુર્ણ નિર્ણયને કારણે AUDAની 43 યોજનાઓના 23838 મકાનોને લાભ મળશે. એટલુ જ નહી ઔડાના મકાનોના દસ્તાવેજ પ્રક્રિયા સરળ કરવામાં આવતા કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો મિલકત ધારકને કરવો પડશે નહી, તેમજ વચોટિયા દ્વારા લૂંટ ચલાવવા પર બ્રેક લાગશે. AUDA ના આવાસના મકાન માલિકો હવે સરળતાથી દસ્તાવેજ કરી અને મકાન વેચી કે ખરીદી શકશે.
ઔડાના મકાનોના લાભાર્થીઓને દસ્તાવેજ કરવામાં પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ વચેટિયા દ્વારા લૂંટ ચલાવવામાં ન આવે તે હેતુસર AUDA દ્વારા દસ્તાવેજ પણ કરાવી આપવામાં આવશે. અત્યાર સુધી સંખ્યાબંધ મકાનોના વેચાણો થયા છે. જો કે મૂળ માલિક દ્વારા તે મકાનનો દસ્તાવેજ ન કરી અને તેનું વેચાણ કરી દેવાતો હતો. હવે મકાન ખરીદનાર ઔડાના મકાનને મૂળ માલિક પાસેથી લેતી વખતે દસ્તાવેજ પણ સરળતાથી કરાવતા મકાનના મૂળ માલિક તેઓ બની શકશે.
આ પણ વાંચો-અમદાવાદમાં અનુભવાઇ રહી છે અંગ દઝાડતી ગરમી, પાણીજન્ય રોગચાળો વકર્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો