Ahmedabad : વિશ્વ પર્યાવરણ દિવસની (World Environment Day) ઉજવણીના અંતર્ગત 3 અને 4 જૂને અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીમાં (Science City) વિવિધ પર્યાવરણલક્ષી વસ્તુઓનું પ્રદર્શન યોજાશે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1972માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે 5 જૂન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની 50 મી વર્ષગાંઠ ઉજવાશે.
આ પણ વાંચો-Mandi : ભરૂચની જંબુસર APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 3600 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ #BeatPlasticPollution રાખવામાં આવેલી છે. જેના થકી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ગુજરાત સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગ દ્વારા અવારનવાર લોક જાગૃતિ માટે જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને ગુજરાત સાયન્સ સિટીમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 3 અને 4 જૂને ગુજરાત સાયન્સ સિટીના નોબલ ડોમમાંપ્લાસ્ટિકની વસ્તુઓના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી અન્ય વસ્તુઓ અને પર્યાવરણને અનુકૂળ વસ્તુઓના 20 જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન રાખવામાં આવશે.
આ પ્રદર્શન થકી પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા જુદા જુદા વિક્રેતાઓ અને સમૂહો પાસેથી પ્રદર્શનમાં ભાગ લેવા માટેની દરખાસ્તો પણ મગાવવામાં આવી છે.
વધુમાં પર્યાવરણલક્ષી પ્રદર્શન ઉપરાંત સાયન્સ સિટીના ઓડિટોરિયમ ખાતે પર્યાવરણ દિવસની થીમ આધારિત વક્તવ્યનું પણ આયોજન કરેલુ છે. વિશ્વ પર્યાવરણ દિવસ-2023ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ પર્યાવરણ રસિકોને હાર્દિક નિમંત્રણ પણ અપાયું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો