ઉત્તરાયણનો પર્વ ખૂબ જ નજીક છે. ગુજરાતના મહાનગરોમાં બજારોમાં પતંગ અને દોરીના ખરીદ વેચાણની ધૂમ જોવા મળી રહી છે. જો કે બીજી તરફ ઉત્તરાયણનો પર્વ નજીક આવતા જ અલગ અલગ સ્થળોએથી ચાઇનીઝ દોરીના કારણે કોઇનું ગળુ કપાવાના કે અકસ્માત થવાના બનાવો સામે આવવા લાગ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો ચાઇનીઝ દોરીના કારણે મોત થવાની ઘટનાઓ પણ બની છે. ચાઇનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતા લોકો હજુ પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આ મામલે એક્શન લેવા ટકોર કરી છે. ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસે પણ જનતાને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.
ગુજરાત પોલીસે જુદા જુદા પોસ્ટર બનાવીને ચાઇનીઝ દોરીથી થતા નુકસાન સમજાવી ચાઇનીઝ દોરી ન વાયરલા અપીલ કરી છે. ગુજરાત પોલીસે એક પોસ્ટરમાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિકની દોરી, કાંચના મિશ્રણયુક્ત દોરી, તેમજ તુક્કલ પર પ્રતિબંધ હોવાનું પોસ્ટર જાહેર કર્યુ છે. સાથે જ આ પોસ્ટરમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ ઉપયોગ ના કરવા માટે રાજ્યના નાગરિકોને ગુજરાત પોલીસ ખાસ અપીલ કરે છે. સાથે જ પોલીસે એવી અપીલ પણ કરી છે કે જનતાને પણ કોઇપણ વિસ્તારમાં આવી વસ્તુ ઓના વેચાણ વિશે જાણકારી મળે તો તાત્કાલિક 100 નંબર પર પોલીસને માહિતી આપવા જણાવ્યુ છે.
બીજા એક પોસ્ટરમાં ચાઇનીઝ દોરીથી પર્યાવરણ સહિત મનુષ્યને પણ થતા નુકસાન અંગે જણાવવામાં આવ્યુ છે. જેમાં પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના જોખમથી પરિવારો અને પર્યાવરણને વિખરતા બચાવો. સાથે જ આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યુ છે કે, ચાઇનીઝ દોરીનું વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે. તેનાથી રાહદારીઓના ગળા કપાઇને મૃત્યુ થઇ શકે છે. પર્યાવરણ અને અબોલ પશુ પક્ષીઓના જીવન પર ખતરો રહે છે. ચાઇનીઝ તુક્કલથી લોકોના ઘરોમાં આગ લાગી શકે છે.ચાઇનીઝ દોરી વીજ તારને સ્પર્શતા વીજ કરંટ પણ લાગી શકે છે.આમ લોકોને સાવચેતી રાખવા ગુજરાત પોલીસે અપીલ કરી છે.
મહત્વનું છે કે બીજી તરફ રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને લઇ ફરી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફરી સરકારના સોગંદનામા સામે નારાજગી વ્યક્ત કરી અને સરકારનો ઉધડો લેતા કહ્યું કે માત્ર બેઠકો કરવાથી કંઇ ઉકેલ નહીં આવે. સરકાર અને પોલીસ ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે.
એટલું જ નહીં સાથે સાથે કોર્ટે કહ્યું કે ચાઇનીઝ દોરી અંગે લોકોમાં યોગ્ય જાગૃતિ આવે તે પણ જરૂરી છે. સરકાર વિવિધ માધ્યમથી જાગૃતિ ફેલાવી શકે છે. તો સરકારે પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમે ઓનલાઇન સાઇટને પત્ર લખી પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા જાણ કરી છે. સાયબર ક્રાઇમે ઓનલાઇન સાઇટને પત્ર લખી વેચાણ ન કરવા જાણ કરી છે.