Ahmedabad : ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આડેધડ પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેઇન મદદ લેવાશે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ટ્રાફિક સહિત પોલીસના 3 હજારથી વધુ અધિકારીઓ ખડે પગે તૈનાત રહેશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ રમાવાની છે. જેમાં 5મી ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યુઝિલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. પ્રેક્ષકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને 17 પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. આશરે 8 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પાર્કિંગ પ્લોટ માટે શો માય પાર્કિંગ એપથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી ચાર્જ ચૂકવી વાહનો પાર્ક કરવાના રહેશે.
તારીખ 5, 14 ઓક્ટોબર અને 4, 10 અને 19મી નવેમ્બરે સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી કેટલાક રૂટ બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. સુરક્ષાની દૃષ્ટિએ સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ તૈનાત રહેશે. પ્રેક્ષકોની ભીડ વધુ રહેવાની શક્યતાને પગલે ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસને વધુ જવાનો પણ ફાળવાયા છે. જે લોકો આડેધડ વાહનો પાર્ક કરશે તે વાહનો ટો કરવા માટે ટ્રાફિક પોલીસની આઠ જેટલી ક્રેઇન મૂકવામાં આવશે.
જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી ટી થી મોટેરા ટી સુધીનો માર્ગ બંધ રહેશે. ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટીથી જનપથ ટીથી પાવર હાઉસ ચાર રસ્તા થી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસિડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તાથી ભાટ-કોટેશ્વર રોડથી એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.
સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવનાર લોકો બહારગામથી વાહનો લઇને આવે તે લોકોએ પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરવાના રહેશે. અમદાવાદના લોકો મેચ જોવા આવતા હોય તો તે લોકો મેટ્રો, BRTS કે AMTSનો ઉપયોગ કરે તેવી અપીલ છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જેટલો મહત્તમ ઉપયોગ કરશે તેટલી સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહેશે. પોલીસે તો વ્યવસ્થા કરી જ છે છતાંય લોકોએ પણ ટ્રાફિક જામનો ભોગ બનવુ નહીં પડે.
1 ડીઆઇજી, 8 ડીસીપી, 12 એસીપી, 25 પીઆઇ, 68 પીએસઆઇ, 1631 કોન્સ્ટેબલ-હે.કો, મહિલા કોન્સ્ટેબલ મળી કુલ 1743. આ ઉપરાંત ટ્રાફિક વિભાગના 1 જેસીપી, 3 ડીસીપી, 4 એસીપી, 9 પીઆઇ, 17 પીએસઆઇ, 1205 જેટલા કોન્સ્ટેબલ, હે.કો., એ.એસ.આઇ સહિત કુલ 1200થી વધુ પોલીસ કર્મી તૈનાત રહેશે.
Published On - 10:37 pm, Tue, 3 October 23