
અમદાવાદના (Ahmedabad) અમરાઈવાડી વિસ્તારમાં આંગણવાડી માથાનો દુખાવો બની રહી છે. સાંભળતા આશ્ચર્ય થશે પરંતુ આરોપ છે કે, કોર્પોરેશને (Corporation) આંગણવાડી (Anganvadi) બનાવી અને 7 વર્ષ સુધી ત્યાં કોઈ બાળક જોવા ન મળ્યું. સોસાયટીના કોમન પ્લોટમાં આંગણવાડી બનાવતા હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 7 વર્ષમાં આ આંગણવાડીમાં ન કોઇ બાળક આવ્યુ છે કે ન કોઇ કર્મચારી, 7 વર્ષથી અહીં માત્ર તાળુ જ મારેલુ રાખવુ પડ્યુ છે. જેના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે એએમસીની જગ્યા પર દબાણ હોય તો તેને દૂર કરવા પળવારમાં બુલ્ડોઝર ફેરવી દેવાય છે. ત્યારે કોર્પોરેશને જ સોસાયટીની જમીન પર ગેરકાયદે દબાણ કર્યાનો આરોપ લગાવાયો છે. અમદાવાદ શહેરમાં અમરાઈવાડીના વૃંદાવન સોસાયટીમાં આવેલી આ આંગણવાડી 7 વર્ષ પહેલા બનાવવામાં આવી. જે આંગણવાડી હવે સોસાયટીના લોકો માટે માથાનો દુઃખાવો સમાન બની ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે 7 વર્ષમાં અહીં એકપણ વિદ્યાર્થી જોવા ન મળ્યો, કે ન કોઈ કર્મચારી. જોવા મળે છે તો માત્ર આંગણવાડીની બહાર લટકતું તાળું.
જે આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓના કિલ્લોલ સાંભળાવાના હતા, ત્યાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોના મજૂરો બે વર્ષથી નિવાસ કરતા હતા. આ આંગણવાડી બની ત્યારે સોસાયટીના રહીશોને પહેલા તો લાગ્યું કે ચાલો કોર્પોરેશન કંઈક સારું કામ કરી રહી છે. પરંતુ હવે આ આંગણવાડીમાંથી રહીશોને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ત્યારે સોસાયટીના ચેરમેન પ્રવીણ પરમારે જણાવ્યુ હતુ કે કોમન પ્લોટ પર રાતોરાત કબજો કરી લેવાયો અને ત્યાં આંગણવાડી બનાવી દેવાઈ.
વૃંદાવન સોસાયટીના રહીશો હવે આ કોમન પ્લોટ પાછું મેળવવા માટે અરજી કરી રહ્યા છે. તેમજ સરકારને પણ વિનંતી કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે 7 વર્ષ સુધી આંગણવાડી બંધ કેમ રહી? 7 વર્ષમાં આંગણવાડી લોકોના ઉપયોગમાં કેમ ન અપાઈ? તેમજ આ બાબતે કોર્પોરેશનના અધિકારીએ તપાસ કેમ ન કરી? આ આંગણવાડી બનાવવામાં જેપણ ખર્ચ થયો હોય. પરંતુ સ્થાનિકો 7 વર્ષથી ન જગ્યાનો ઉપયોગ કરી શક્યા. કે ન કોઈ બાળકને ભણવાનો લાભ મળ્યો. માટે આ આંગણવાડી હવે માથાનો દુખાવો બની ગઈ છે.