
પશ્વિમ રેલ્વેમાં માદક પદાર્થો અને વિદેશી દારુ સહિતના હેરાફેરી ઉપરાંત, સોના-ચાંદી અને બિનહિસાબી રોકડ રકમને લઈ રેલ્વે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એડિશનલ DGP રાજકુમાર પાંડિયન દ્વારા આ માટે સ્પેશિયલ ગુના શોધક સ્ક્વોડ દ્વારા રેલ્વે ટ્રેનો અને રેલ્વે સ્ટેશન પર નજર રાખવામાં આવી રહી છે. આવી જ રીતે અમદાવાદ ના કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી એક શખ્શને બિનહિસાબી ચાંદીના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. રેલ્વે પોલિસને સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા ચાંદીનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.
વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ દરમિયાન રેલ્વે પોલીસ દ્વારા આંતરરાજ્ય ટ્રેનો અને રાજ્યમાં આંતરિક ટ્રેનો પર પણ સતત નજર બારીકાઈ પૂર્વક રાખવામાં આવી રહી હતી. હાલમાં પણ હવે ચુંટણી બાદ મુસાફરોની સલામતી માટે રેલ્વે પોલીસ દ્વારા સતત નજર દાખવાઈ રહી છે. રેલ્વેમાં પેસેન્જર તરીકે બિનહિસાબી રોકડ અને સોના ચાંદીની તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની ફરિયાદોને પગલે ખાસ સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા નજર દાખવવાની અને તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત મેલ એક્સ્પ્રેસ ટ્રેનમાં મુંબઈ થી અમદાવાદ રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના ની હેરાફેરી થતી હોવાની માહિતી ગુના શોધક ટીમને મળી હતી. જેને લઈ કાલુપુર રેલ્વે સ્ટેશન પર ટીમના સભ્યોએ બારીકાઈ થી નજર દાખવી વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક યુવક શંકાસ્પદ હિલચાલ સાથે ગુજરાત મેલમાં આવતા જ ટીમ દ્વારા તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તેની પાસે ચાંદીની વિવિધ ચીજ વસ્તુઓ અને ઘરેણાં હોવાનુ જણાયુ હતુ.
રેલ્વે પોલીસના સ્પેશિયલ સ્ક્વોડના PSI ડીજે સોલંકી અને તેમની ટીમ દ્વારા યુવક કનુભાઈ પટેલની પાસેથી ચાંદીના જથ્થાને જપ્ત કર્યો હતો. જપ્ત કરેલ ચાંદી 46 કિલો 591 ગ્રામ હોવાનુ જણાયુ હતુ. તે તમામ જથ્થો કાલુપુર રેલ્વે સ્ટેશને સોંપી યુવક કનુભાઈ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા યુવકની પુછપરછ કરાતા તેણે આ જથ્થો અમદાવાદમાં આંગડિયા પેઢીનો હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ આ અંગે તે બિલ કે અન્ય કોઈ પણ પ્રકારનો પુરાવો રજૂ કરી શક્યો નહોતો. પોલીસની ટીમ દ્વારા આંગડિયા પેઢીના સંચાલકની પણ પુછપરછ કરી હતી. જેમાં ચાંદીનો જથ્થો કોલ્હાપુરથી મુંબઈ અને ત્યાંથી અમદાવાદ આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ. આ માટે તેણે આ જથ્થો અમદાવાદના અલગ અલગ વહેપારીઓનો હોવાને લઈ લવાયો હોવાનુ બતાવ્યુ હતુ. આમ પોલીસને બિનહિસાબી કિંમતી ચિજોની હેરફેર રેલ્વે ટ્રેન મારફતે થતી હોવાની આશંકાએ તપાસ હાથ ધરી છે.
Published On - 9:33 pm, Fri, 16 December 22