Ahmedabad: સાતમા માળેથી કૂદી યુવતીએ કર્યો આપઘાત, લગ્ન ન થતા હોવાથી પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોનો ખુલાસો

Ahmedabad Suicide: અમદાવાદના ચાંદખેડામાં ત્રાગડ રોડ ઉપર ઉપવન ફ્લેટમાં રહેતી યુવતીએ સાતમાં માળેથી પડતુ મુકી આપઘાત કર્યો છે. મૃતક યુવતીના પરિવારજનોના જણાવ્યા મુજબ શારીરિક ખોડના કારણે લગ્ન ન થતા હોવાથી તેણે આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.

Ahmedabad: સાતમા માળેથી કૂદી યુવતીએ કર્યો આપઘાત, લગ્ન ન થતા હોવાથી પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોનો ખુલાસો
યુવતીએ કરી આત્મહત્યા
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:34 PM

અમદાવાદ (Ahmedabad)માં ચાંદખેડા વિસ્તારમાં 31 વર્ષિય યુવતીએ સાતમાં માળેથી પડતુ મુકી આત્મહત્યા (Suicide) કરી લીધી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઉપવન ફ્લેટમાં રહેતી યુવતી ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી. સવારે સાત વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં ઘટનાને પગલે જ પરિવારજનો સહિત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ (Police)ને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવતીનું નામ પ્રિયંકા પરમાર હતુ અને તે 31 વર્ષની હતી. પોતાની માતા અને બહેનો સાથે E બ્લોકમાં રહેતી હતી. પ્રિયંકાને બાળપણમાં જ દાઝી જવાના કારણે દાઝેલાના ડાઘ રહી ગયા હતા. આ ખામીને કારણે તેના લગ્ન થયા ન હતા અને નાસીપાસ થયેલી પ્રિયંકાએ પણ ત્યારબાદ લગ્ન ન કરવાનું મનોમન નક્કી કરી લીધુ હતુ.

મૃતક યુવતી પાસેથી ન મળી કોઈ સુસાઈડ નોટ

સાતમા માળેથી પડતુ મુકનાર યુવતી પાસેથી ધાબા પરથી કે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જેથી પોલીસે પણ પરિવારજનોના નિવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે યુવતીને ત્રણ નાની બહેનો અને એક ભાઈ છે. પ્રિયંકાને દાઝેલાના ડાઘ રહી ગયાનો મનોમન અફસોસ હતો અને આથી લગ્ન કરવાની ઈચ્છા ન હતી. જેના કારણે નાના ભાઈ-બહેનના પણ લગ્ન થયા ન હતા. આથી કંટાળીને પ્રિયંકાએ આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

પોલીસ યુવતીના મોબાઈલ અને કોલ ડિટેલ્સની તપાસ કરશે

હાલ પોલીસે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો છે. આ ઉપરાંત યુવતીના મોબાઈલ અને કોલ ડિટેલ્સને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતીએ કોઈના દબાણમાં આવીને આત્મઘાતી પગલુ ભર્યુ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.  જો કે યુવતીની કોલ ડિટેલ્સ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જાણવા મળી શકે છે જેમાં પોલીસ વોટ્સએપની ડિટેલ્સની પણ તપાસ કરશે. 31 વર્ષિય યુવતીના મોત પાછળ માત્ર શારીરિક ખોડ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ પણ છે તે દિશામાં તપાસ શરૂ છે. સુસાઈડ નોટ ન હોવાથી શંકા વધુ ઘેરી બની છે, જેમાં યુવતીના મોત પાછળ જવાબદાર તમામ કડી પોલીસ તપાસી રહી છે.