ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે હજુ પણ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ રહી છે. સાથે જ 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમીને લઈ બપોરના સમયે શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે.
અમદાવાદના ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે 18 એપ્રિલે એક મીટિંગ મળવાની છે. ત્યારે મિટિંગમાં ચર્ચા કર્યા બાદ 19મી તારીખથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે. ગત વર્ષે પણ આકરી ગરમીના પગલે શહેરના મોટા ટ્રાફિક જંકશન પર સિગ્નલ બંધ રખાયા હતા.
અમદાવાદમાં ગઇકાલે મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયુ હતુ. આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે. ત્યારે અસહ્ય ગરમીમાં વાહનચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા ન રહેવુ પડે તે માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાશે. તો બીજી તરફ વધારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની ચેઇનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે.
ટ્રાફિક સિગ્નલનું સંચાલન તેમજ મેન્ટેનન્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે ટ્રાફિક પોલીસ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેઠક આગામી સપ્તાહમાં યોજાવાની છે. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ બેઠકમાં અમદાવાદમાં પિક અવર્સ પછીના 3 કલાક એટલે કે બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાશે. જો કે અમદાવાદમાં 25 થી 30 ટ્રાફિક સિગ્નલ એવા છે કે જ્યાં આખો દિવસ હેવી ટ્રાફિક રહે છે. આવા સિગ્નલ ઉપરની લાઈટની ચેઈનનો સમય 50 ટકા સુધી ઘટાડી દેવાશે. જેથી જે સિગ્નલ 1 મીનીટ છે તેનો સમય 30 સેકન્ડ, જ્યારે 120 સેકન્ડ વાળા સિગ્નલનો સમય 60 સેકન્ડ કરવા નિર્ણય લેવાશે.
(વિથ ઇનપુટ-દર્શલ રાવલ,અમદાવાદ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:58 pm, Fri, 14 April 23