અમદાવાદ (Ahmedabad) શહેરમાં વગર ચોમાસે ભુવા (pothole) પડવા તે આમ બાબત બની ગઈ છે. અને આવી જ રીતે એક મહિના પહેલા રખિયાલમાં (Rakhiyal) અજિત મિલ પાસે રોડ પર ભુવો પડ્યો. જોકે તે ભુવાને લઈને કોઈ કામગીરી નહિ કરાતા મંગળવારે એક અકસ્માત (Accident) સર્જાયો. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો.
મંગળવારે રાત્રે મોઇન શેખ, હમજા ખોખર અને ઇમરાન અન્સારી ત્રણે મિત્રો કામથી બહાર ગયા અને પરત રખિયાલ ખાતે પોતાના ઘરે તરત ફરતી વખતે તેઓ રસ્તા પરથી સાઈડ કાપવા ગયા કે તરત તેઓ ભુવામાં ઉતરી ગયા. જેની જાણ સ્થાનિકોને થતા ફાયર બ્રિગેડની મદદ લઈને મોડી રાત્રે ત્રણેય મિત્રોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા અને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ મોકલી આપ્યા. જોકે ત્રણેને વધુ ઇજાના કારણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તમાં મોઇન શેખ 17 વર્ષ, હમજા ખોખર 17 વર્ષ અને ઇમરાન અન્સારી 19 વર્ષ હતા. જેમાં હમજા ખોખરને સૌથી વધુ ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે. જે ત્રણેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
ઘટનાને લઈને સ્થાનિકોનો આક્ષેપ હતો કે ગટર લિકેજના કારણે ભુવો પડ્યો હતો. જે ભુવો પુરવા 28 માર્ચે સ્થાનિકોએ આ અંગે રજુઆત કરી છતાં કામગીરી નહિ કરતા આ બનાવ બન્યો. જેમાં ગત મોડીરાત્રે એક્ટિવા પર જઈ રહેલા ત્રણ મિત્રો ચાલુ એક્ટિવા સાથે ભુવામાં ગરકાવ થઈ ગયા. એટલું જ નહિ પણ અગાઉ 15 થી 20 અકસ્માત ભુવાના કારણે બન્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિકોનો એ પણ આક્ષેપ હતો કે રજુઆત કરવા જતા કોઈ કામ નહીં થાય તેવું અધિકારીએ જણાવ્યુ. અને ગત રોજ અકસ્માત બન્યા બાદ AMCએ તાબડતોડ કામગીરી શરૂ કરી. જો પહેલા કામગીરી શરૂ કરાઈ હોત તો આ બનાવ ન બન્યા હોવાનું સ્થાનિકોનું નિવેદન હતું.
તો આ તરફ સ્થાનિક કોપોરેટર ઇકબાલ શેખે બનાવને લઈને AMC પણ માછલાં ધોયા. ઇકબાલ શેખે જણાવ્યું કે AMCની બેદરકારીના કારણે બનાવ બન્યો. તેમજ કોન્ટ્રાકટરને પેમેન્ટ નહિ મળતા કામમાં વિલંબ થતો હોવાના પણ આક્ષેપ લગાવ્યા. વધુમાં તેઓએ જણાવ્યું કે કોર્પોરેટર તરીકે રજુઆતનું કામ હોય છે જે તેઓએ કરી પણ અધિકારીએ અને કોન્ટ્રાક્ટરે કામ પર ધ્યાન નહિ આપતા આ બનાવ બન્યો. એટલું જ નહીં પણ બનાવ બન્યા બાદ જાણ કરતા અધિકારીએ વહેલી તકે કામગીરી પુરી કરવા ખાતરી આપી હોવાનું કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું.
ત્યારે સવાલ એ થાય છે કે શું કોઈ બનાવ બન્યા બાદ જ યોગ્ય કામગીરી હાથ ધરાય છે. કેમ પહેલા કામ નથી થતું જે બાદમાં થઈ રહ્યું છે. શું કામગીરીમાં કોઈ મિલીભગત છે કે પછી AMC અને કોન્ટ્રાકટરને કામ કરવામાં રસ નથી. આવા અનેક સવાલો છે જે લોકોને સતાવી રહ્યા છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે શહેરમાં ભુવા જેવી સમસ્યા જલ્દી દુર થાય અને લોકોએ તેનું ભોગ બનવું ન પડે.
આ પણ વાંચો :Surat : પોલીસે ઓરિસ્સાથી શહેરમાં ઠલવાતો ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો, ચાર લોકોની ધરપકડ
આ પણ વાંચો :બુંદેલખંડમાં પણ છે એક ‘દશરથ માંઝી’, જે પાણી માટે એકલા હાથે દિવસ-રાત મહેનત કરી ખોદ્યું 18 ફૂટ ઊંડું તળાવ