ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે આજે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી. ગઈકાલે કોર્ટના સૂચન બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના વકીલ વચ્ચે યોજાયેલી બેઠક હકારાત્મક વાતાવરણમાં થઈ હોવાનું નિવેદન કોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના સિનિયર એડવોકેટ સુધીર નાણાંવટી તરફથી નિવેદન કરવામાં આવ્યું કે ‘સમાધાનની ફોર્મ્યુલાની શક્યતાઓ અંગે એક કલાક ચર્ચા થઈ. હવે તેઓ પ્રેમ સ્વામીને સોખડા જઈ મળી સમાધાન બાબતે ચર્ચા કરશે, પ્રેમ સ્વરૂપ સ્વામી સમાધાન માટે તૈયાર છે કે કેમ અને કયા પ્રકારના સમાધાનની ચર્ચા કરવા માંગે છે તે બાબતની જાણ આવતીકાલે સાંજે અરજદારના વકીલને કરશે’.
સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ બાબતે રહી કે ફરિયાદીના વકીલ ચિત્રજીત ઉપાધ્યાય દ્વારા સોખડા મંદિરમાં એક સાધુના મોત અંગેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. જેમાં વકીલે રજૂઆત કરી છે કે ‘સંસ્થાનું વાતાવરણ એ પ્રકારનું છે કે જ્યાં લોકો ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે. જે સાધુનું મોત થયું તેઓ આગલા દિવસે સાંજે જ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, તેવો દાવો કર્યો’. આ બાબતે સામા પક્ષે પ્રેમ સ્વામીના સિનિયર વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વાતનો ઉલ્લેખ તેઓ વ્યક્તિગત રીતે કરી શકતા હોત. તેઓ સમાધાનની ફોર્મ્યુલા અંગે ચર્ચા કરી રહ્યા છે, તેવામાં આ બાબતનો ઉલ્લેખ કરવો તે યોગ્ય નથી’.
આ ઉપરાંત પ્રેમ સ્વામી વકીલ દ્વારા એ પણ રજૂઆત કરી કે, ‘હવે મામલો સમાધાન ફોર્મુલા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ અરજીનો નિકાલ થવો જોઈએ કારણકે કોર્ટના આદેશ પ્રમાણે સાધુઓ મુક્ત થઈ ચૂક્યા છે અને હવે સમાધાન માટે લાંબો સમય નહિ લાગે. કારણ કે આ અરજી પેન્ડિંગ રહે તો લટકતી તલવાર સાથે કોઈ નિર્ણય લેવાય, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે’. જોકે ફરિયાદીના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આ અરજી છે, ત્યાં સુધી તેમને ન્યાયની આશાનું કિરણ છે’. આ બાબતે હવે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ Surat: છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરેથી મેફેડ્રોન ડ્રગ્સ વેચતા શખસને ઝડપી લીધો
આ પણ વાંચોઃ Dahod: વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી જવાની ઘટનાના વિરોધમાં ગાંગરડી ગામ સજ્જડ બંધ