અમદાવાદના સાણંદમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ મર્ડર વિથ લૂંટના ગૂનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. વ્યાજના પૈસા ન ચૂકવવા પડે માટે આરોપીએ હત્યાનું ષડ્યંત્ર રચ્યુ હતુ. આરોપીએ ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને પુરાવાનો કર્યો નાશ હોવાનુ પોલીસ સામે કબૂલ્યુ છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનો ભાંડો ફોડ્યો છે. અમદાવાદ પોલીસે આરોપી વિષ્ણુ ઉર્ફે વિહા ચુનારા અને અરવિંદજી ઉર્ફે પકા ઠાકોરે ભેગા મળી સિક્યુરિટી ગાર્ડની લૂંટ વિથ મર્ડરના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી વિષ્ણુએ વ્યાજના પૈસા ન ચૂકવવા પડે એ ઈરાદે સિક્યુરિટી ગાર્ડ રણછોડ વાણીયાની હત્યા કરી દીધી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે 30 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ સાણંદ વિસ્તારના ચેખલા ગામમાં આદિગ્રીન્સ ફાર્મમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા વૃદ્ધ રણછોડ વાણીયાની હત્યા કરી સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. જેમાં આરોપી વિષ્ણુએ મૃતક રણછોડભાઈના કાનમાં સોનાની કડીઓ પહેરતા હતા, તે કડીઓ ખેંચીને કાન તોડીને કાઢી લીધી હતી.
એટલું જ નહીં મૃતક દાંતમાં સોનાનુ કવર પહેરતા હતા તે પણ આરોપીઓએ દાંત તોડીને લઈ લીધુ હતુ. સાથો સાથ સોનાની વીંટી પહેરતા હતા, તે પણ લૂંટી લીધી હતી. સાથો સાથ મોબાઈલ ફોનની પણ લુંટ કરી હતી. જેમાં બન્ને આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિષ્ણુ ચુનારા અને મૃતક રણછોડ વાણીયા બન્ને એકબીજાના પરિચિત હતા. મૃતક રણછોડે આરોપી વિષ્ણુને 1.30 લાખ વ્યાજે પૈસા આપ્યા હતા. પૈસા પરત ન ચૂકવવા માટે છેલ્લા બે મહિના પહેલાથી હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો. જેમાં આરોપી વિષ્ણુએ મિત્ર સાથીદાર અરવિંદજી સાથે મળી સિક્યુરિટી ગાર્ડ રણછોડની હત્યા કરી નાખી.
હત્યાના પુરાવા નાશ કરવા આરોપી અરવિંદ ઠાકોરે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ આધારે પુરાવાનો નાશ કરી દીધો પરંતુ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સથી શકમંદ આરોપીને દબોચી લીધા હતો જેમા પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યા અને ગુનો કબૂલ્યો હતો. પોલીસે બન્ને હત્યારાઓને પકડી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હત્યાના નાશ કરેલા પુરાવા મેળવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. જોકે પકડાયેલ બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Published On - 6:09 pm, Sun, 6 November 22