ભાવનગરના તળાજા તાલુકાના બારૈયા પરિવાર ઉપર 10 મી જુલાઇએ એકાએક આફત આવી. બારૈયા પરિવારના ગૃહિણી 39 વર્ષીય નીતાબહેનને બ્રેઇનહેમરેજ થયું. સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લાવવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 10 દિવસ સુધી જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ 20 મી જુલાઇની રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. વાત અહીંયા પુરી થઇ ન હતી, 20મી જુલાઇની રાત સમગ્ર હોસ્પિટલ માટે એક ભાવુક રાત બની રહી હતી.
નીતાબહેનને એક પુત્ર છે મીલન. આ પુત્રને શિક્ષિત બનાવીને પગભર કરવા કોલેજમાં એડમિશન અપાવ્યું. પરંતુ વીધીના લેખ તો કંઇક અલગ જ સ્યાહીથી લખાયા હતા.સિવિલ હોસ્પિટલમાં દસ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થયેલ નીતાબહેનના અંગોના દાનનો નિર્ણય ખુદ તેમના દિકરાએ કર્યો.
20 વર્ષના જુવાનદિકરાના નિર્ણયથી ચાર લોકોની જિંદગીને નવજીવન મળ્યું છે
અંગદાન પાછળ મીલનનો આશય ફક્ત એક જ હતો કે માતા એ ખુબ જ વ્હાલ અને પ્રેમપૂર્ણ મને ઉછેર્યો. સેવાભાવ અને જનકલ્યાણના કાર્યો સાથે માનવતાની શીખ આપી. અને જ્યારે તેઓ આ દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે અન્યોના શરીરમાં તેમનું હ્રદય ધબકે. કિડની અને લીવરની પીડામાંથી પસાર થતા જરૂરિયાતમંદને લીવર અને કિડની મળે. તેવા ઉમદા ભાવ સાથે ભાવનગરના આ શ્રવણ પુત્ર એ બ્રેઇનડેડ માતા નીતાબહેનના અંગોનું દાન કર્યું.
સિવિલ હોસ્પિટલના ડૉકટર્સ દ્વારા હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં પણ સફળતા મેળવવામાં આવી છે. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી દેવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 122 અંગદાન થયા. પરંતુ, 10 દિવસ મોત સામે સતત લડયા બાદ બ્રેઇનડેડ થયેલી માતાના યુવાન પુત્રએ શ્રવણરૂપ ધારણ કરીને અંગદાન કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. જ્યારે તેમના પુત્રએ અંગદાનનો નિર્ણય કર્યો, ત્યારે એ ક્ષણ સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ભાવુક અને ઇમોશનલ બની ગઇ હતી. આમ તો અત્યારસુધી સિવિલમાં કુલ 34 હ્રદયદાનની ઘટના બની છે, પરંતુ નીતાબેનના પુત્ર દ્વારા કરાયેલ દાન ખરા અર્થે હ્રદયપૂર્વકનું દાન છે.
Published On - 2:40 pm, Sat, 22 July 23