Ahmedabad : શહેરમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા છૂપાવવાનો ખેલ શરૂ થઈ ગયો છે. રોગચાળો વકરતાં પોતાની નિષ્ફળતા છૂપાવવા કોર્પોરેશન હવે આંકડા છૂપાવવામાં લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં 10 હજારથી વધુ કેસ હોવા છતાં કોર્પોરેશનના ચોપડે ફક્ત 197 કેસ દર્શાવાયા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે.શારદાબેન અને એલજી હોસ્પિટલના આંકડા જોઇએ તો ત્યાં એક દિવસમાં મચ્છરજન્ય રોગચાળાના 174 કેસ સામે આવ્યા છે.
જે AMCના 21 દિવસના આંકડા કરતાં વધુ છે. કોરોના બાદ હવે AMC ચિકનગુનિયા અને ડેન્ગ્યુના આંકડા પણ છુપાવી રહી છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ 20 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોજના 400થી 500 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. આમ 20 દિવસમાં શહેરમાં 8થી 10 કેસ નોંધાયા છે. AMC હોસ્પિટલ કમિટીએ પણ દવાનો પૂરતો સ્ટોક રાખવા હોસ્પિટલોને સૂચના આપી છે.
અત્યારે શહેરમાં પશ્ચિમના વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં ખૂબ જ મોટાપાયે વધારો થયો છે. જોકે તંત્ર દ્વારા પોતાની નિષ્ફળતાં છૂપાવવા માટે માત્ર ક્ષુલ્લક કેસ આવતાં હોવાનું દર્શાવાય છે. ઓગસ્ટના 21 દિવસમાં ડેન્ગ્યુના 130, ચિકનગુનિયાના 67 કેસ આવ્યા હોવાનું સત્તાવાર રીતે AMCએ જાહેર કર્યું છે. ખરેખર શહેરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના AMCએ સત્તાવાર જાહેર કરેલા કેસ કરતાં 500 ગણાં વધારે કેસ હોવાનું જણાઇ રહ્યું છે.
શહેરની લેબોરેટરી ચેઈન ધરાવતી બેથી ત્રણ લેબોરેટરીના આંકડા મુજબ 20 દિવસમાં 400થી વધુ કેસ નોંધાયા છે. AMC હોસ્પિટલ કમિટીમાં ચેરમેન પરેશ પટેલ સમક્ષ હોસ્પિટલો દ્વારા રજૂ થયેલા આંકડા પ્રમાણે એલજીમાં રોજના 3 હજારથી વધુ કેસની ઓપીડી છે ત્યાં મચ્છરજન્ય રોગચાળાના 104થી વધુ અને શારદાબેનમાં જ્યાં રોજની 2000થી 2400ની ઓપીડી છે ત્યાં પણ 74 મચ્છરજન્ય રોગના કેસ આવે છે.