Ahmedabad : ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીને(Gujarat University) નવા કુલપતિ નિરજા ગુપ્તા મળ્યા બાદ એની પ્રથમ સિન્ડિકેટમાં નવી શિક્ષણનીતિ લાગુ કરવા, વર્ગ 3-4 ના પવારમાં વધારો અને બીએડ કોલેજોને ગુજરાત યુનિવર્સીટી સાથે જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
જો કે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે ગુજરાત યુનિવર્સીટીને બદનામ કરતું ઉત્તરવહી કાંડ અંગે સિન્ડિકેટ બેઠકમાં અધિકૃત કે અનઅધિકૃત કોઈ જ પ્રકારની ચર્ચા કરવામાં નથી આવી.
ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની હાજરીમાં પ્રથમ સિન્ડિકેટ બેઠક મળી. જોકે સૌથી મોટી વાત એ હતી કે હાલ યુનિવર્સિટીના સૌથી મોટા અને સળગતા પ્રશ્ન ગણાતા એવા ઉત્તરવહી કૌભાંડને લઈને ઔપચારિક કે અનૌપચારિક રીતે આ બાબતે સહેજ પણ ચર્ચા કરવામાં ના આવી. નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થવાનો મામલો ગંભીર છે અને એને લઈને વિવાદ ચાલી રહ્યો છે છતાં યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મામલે ચર્ચા કરવાનું યોગ્ય ના જણાયું.
આ બેઠકમાં યુનિવર્સિટી પરિસરમાં કામ ચલાઉ ધોરણે કામ કરતાં વર્ગ 4ના સેવક કર્મચારીઓનો પગાર 10 હજારથી વધારી 13 હજાર જ્યારે વર્ગ ત્રણના ક્લાર્ક તરીકે કામ કરતા કર્મચારીઓનો પગાર 12 હજારથી વધારે 18 હજાર કરવાનો નિર્ણય લેવાયો છે.
સમગ્ર દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં મૂકાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ મેડિકલ, લૉ અને બીએડમાં નવી શિક્ષણનીતિ અમલમાં નહીં મૂકવા અને એ સિવાયના બીએ, બીએસસી અને બી.કોમ માં નવી શિક્ષા નીતિ પ્રમાણેનું માળખું અમલ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો.
આ ઉપરાંત બેઠકમાં યુનિવર્સિટી પરિસરમાં નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ ને લગતી ઉપલબ્ધ સુવિધાઓ ને યોગ્ય રીતે કાર્યરત કરવા બોર્ડ ઓફ સ્પોર્ટ ની રચના કરવામાં આવી. જેમાં 4 સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો