અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ (Airport) પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ (Terminal) ની બહારની તરફ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા માટે એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા અલગ અલગ સુરક્ષા એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ આ સુરક્ષા એજન્સીઓ વચ્ચે તેમજ વાહનચાલકો સાથે અવાર નવાર વિવાદ થતા મારામારીની ઘટનાઓ બનવાની સાથે પોલીસ કેસ પણ નોંધાતા હોય છે. તાજેતરમાં આવી જ ઘટનાને પગલે વિવાદ થતા બંને ટર્મિનલ બહાર વાહન પાર્કિંગની કામગીરી સંભાળતી એજન્સી દ્વારા કામગીરી બંધ કરાતા બે દિવસ થી એરપોર્ટના મુખ્ય માર્ગ પર વાહનચાલકો રિક્ષા અને ટેક્સી જ્યાં ત્યાં પાર્ક કરી રહ્યા છે. જેના પગલે એરપોર્ટ પર રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ જેવો માહોલ જોવા મળ્યો હતો.
મંગળવારે ઈન્ટરનેશનલ ટર્મિનલથી બહાર નીકળતી વખતે એક વાહનચાલક 30 મિનિટ પહેલા જ પાર્કિંગ બૂથ પર પહોંચી ગયો હતો, જ્યાં તેને પાર્કિંગ ચાર્જ પેટે 90 રૂપિયા ચુકવવાના હતા, જોકે ટોલ બૂથ પર લાંબી લાઈન હોવાથી વાહન ચાલકને બુથ પર પહોંચતા 33 મિનિટ થઈ ગઈ હોવાથી તેની પાસેથી પાર્કિંગ ચાર્જ પેટે રૂ. 150 માગવામાં આવ્યા. જેને લઈને વિવાદ થયો હતો. એટલી જ નહીં પણ બૂથ કર્મચારીઓએ વાહનચાલક સાથે મારામારી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સમગ્ર વિવાદ બાદ એજન્સીનું કામ એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ લોકો જ્યાં ત્યાં પાર્કિંગ ન કરે તેના પર ધ્યાન આપી જો વાહન પાર્ક થાય તો તે વાહન દૂર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ છે. જેથી એરપોર્ટ પર આવતા લોકોને હાલાકી ન પડે. મળતી માહિતી પ્રમાણે પાર્કિંગ એજન્સીને લઈને મેનેજમેન્ટને ફરિયાદ મળતી. તેમજ લોકોને પણ દંડ ભરવો પોસાતું ન હતું જેથી ઘર્ષણ જેવી ઘટના બનતી. જેનાથી એરપોર્ટની છબી ખરડાતી હતી. જે છબી સુધારવા અને મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા એરપોર્ટ મેનેજમેન્ટ નિર્ણય લઈ વિવાદિત પાર્કિંગ એજન્સીનું કામ બંધ કરી દેવાયું છે. અને અન્ય દ્વારા હાલ પાર્કિંગ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.